આ વખતે તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં હૈદરાબાદની ગોશામહલ સીટ દેશભરમાં ચર્ચામાં છે. બીજેપીએ ફરીથી તેના એકમાત્ર વિવાદાસ્પદ ધારાસભ્ય ટી રાજા સિંહને ટિકિટ આપી છે. જેમને તેણે ગયા વર્ષે પંયગમ્બર મુહમ્મદ પરની ટિપ્પણી બાદ સસ્પેન્ડ કરી દીધા હતા.
આ ઘટના બાદ ટી રાજા સિંહને જેલમાં જવું પડ્યું હતું. પરંતુ, આ વખતે, વિધાનસભાની ચૂંટણી પહેલા, પાર્ટીએ તેમનું સસ્પેન્શન પાછું ખેંચ્યું અને તેઓ સતત ત્રીજી વખત ભગવો લહેરાવાના દાવા સાથે તેમની ગોશામહલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ત્યારે ફરી એકવાર તેમણે ચૂંટણીમાં હુંકાર કર્યો છે. ટી રાજા સિંહે ફરી એકવાર રાજ્યની મુસ્લિમ વસ્તીને લઈને મોટી ટિપ્પણી કરી છે.
ટી.રાજા સિંહે કહ્યુ કે તેમને મુસ્લિમોના વોટ નથી જોઈતા. આ સાથે તેમણે ચેતવણી આપી હતી કે, હું ગાયોની કતલ કરનારાઓના હાથ તોડી નાખીશ. વધુમાં તેમણે કહ્યું છે કે દેશભરમાં હિંદુ વસ્તી સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જે તેઓ ક્યારેય સહન કરશે નહીં.
ટી રાજા સિંહે ગાયોની હત્યા કરનારાઓને પોતાના દુશ્મન ગણાવ્યા છે.
તેમણે કહ્યું, “આ દુશ્મનો, જેઓ અમારી ગાયોની કતલ કરે છે, લવ જેહાદ કરે છે, ધર્માંતરણ કરે છે, આ દુશ્મનોની ગણતરી અહીં 70 હજાર મતોથી થાય છે. અને અમારી ગણતરી વીરોમાં થાય છે.”
મુસ્લિમોના વોટ કેમ નથી જોઈતા તે અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા ટી રાજા સિંહએ કહ્યુ કે “ગોશામહલ વિસ્તારમાં બે લાખ હિંદુ મતદારો છે જ્યારે 70 હજાર મુસ્લિમો હિંદુત્વની વિરુદ્ધ છે. તેથી જ મને મારા હિંદુઓનું સમર્થન ઘણુ છે. મને મુસ્લિમોનો વોટ નથી જોઈતા.”