મલેશિયા, થાઇલેન્ડ જેવા વિશ્વના કેટલાક દેશો ભારત માટે વિઝા ફ્રી કરી રહ્યા છે. ત્યારે સાઉદી અરબએ તેના નિયમો હજુ કડક કર્યા છે. સાઉદી સરકારે વિદેશી કામદારોની ભરતી માટે વિઝા આપવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. સાઉદી અરેબિયાના આ પગલાની ભારતના લોકો પર પણ મોટી અસર પડી શકે છે. સાઉદીના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા નિયમો હેઠળ, અવિવાહિત સાઉદી નાગરિક હવે 24 વર્ષની ઉંમર પછી જ ઘરેલું કામ માટે વિદેશી નાગરિકને નોકરી પર રાખી શકે છે. આ શરતો પૂર્ણ થયા બાદ જ તે વિદેશી કામદારને વિઝા આપવામાં આવશે.
સાઉદી માનવ સંસાધન મંત્રાલયે ગ્રાહકો માટે મુસાનેડ ઓનલાઈન પ્લેટફોર્મ પણ સ્થાપિત કર્યું છે. જ્યાં તેમના અધિકારો, ફરજો અને તેને લગતી કામગીરી વિશે માહિતી આપવામાં આવશે. આ પ્લેટફોર્મ દ્વારા જ કામદારોને વિઝા આપવા અને કામદારો વચ્ચે વાટાઘાટો કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, આ પ્લેટફોર્મ પર જ STC પે અને URPay દ્વારા કામદારોને પગાર ટ્રાન્સફર કરવાની સુવિધા આપવામાં આવી છે.
ઉપરાંત, ઘરેલું મજૂર કરારનું પ્રમાણીકરણ અને વિવાદોના નિરાકરણ જેવી સુવિધાઓ પણ આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તેનો ઉદ્દેશ્ય ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો તેમજ નોકરીદાતાઓ અને કામદારો વચ્ચેના કોઈપણ પ્રકારના વિવાદોને ઉકેલવાનો અને બંનેના અધિકારોની ખાતરી કરવાનો છે. આ શ્રેણીમાં ડ્રાઇવરો, ક્લીનર્સ, રસોઈયા, ગાર્ડ, ખેડૂતો, દરજી, લિવ-ઇન નર્સ અને ટ્યુટરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર સાઉદી અરેબિયામાં લગભગ 26 લાખ ભારતીયો કામ કરે છે.