ચીનમાં ફરીએકવાર શ્વાસનું સંકટ ઉભુ થયુ છે. જેનો સૌથી વધુ ખતરો બાળકોને છે. ચીનમાં ન્યુમોનિયાના કેસ ઝડપથી વધી રહ્યા છે. WHOએ ચીનને અનેક સૂચનાઓ જારી કરી છે. ચીનની હાલત જોયા બાદ ભારત પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ભારતના ઘણા રાજ્યોએ આ રહસ્યમય રોગને લઈને એડવાઈઝરી જાહેર કરાઇ છે.
ચીનમાં ફેલાઇ રહેલા આ નવા રોગને હાલ તો ન્યુમોનિયા ગણવામાં આવી રહ્યો છે. આ નવા સંક્રમણને કારણે ચીનની હોસ્પિટલોમાં બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
આ નવા વાયરસને રહસ્યમય ન્યુમોનિયા વાયરસ કહેવામાં આવી રહ્યો છે. કારણ કે તેના કેટલાક લક્ષણો સામાન્ય ન્યુમોનિયા જેવા છે અને કેટલાક અલગ પણ છે.
ન્યુમોનિયા વાત કરીએ, તો તેનાથી પીડિત બાળકો લાળ સાથે ઉધરસ, ખૂબ તાવ અને ફેફસામાં સોજોની ફરિયાદ કરે છે.તો બીજી તરફ ચીનના આ રહસ્યમય ન્યુમોનિયામાં બાળકોને લાળ વગરની ઉધરસ તેમજ ઉંચો તાવ અને ફેફસામાં સોજાની ફરિયાદ થઈ રહી છે.
ચીનમાં, ખાસ કરીને બાળકોમાં શ્વસન સંબંધી રોગોમાં થઇ રહેલા વધારાને પગલે ભારતમાં પણ કેન્દ્ર સરકારે તૈયારીઓની સમીક્ષા કરવા સૂચના આપી છે. કેન્દ્ર સરકારની સૂચનાઓને પગલે રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, કર્ણાટક અને તમિલનાડુ સહિત પાંચ રાજ્યોએ તેમના આરોગ્ય સેવાની માળખાકીય સુવિધાને એલર્ટ પર રાખી છે.
ગુજરાત સરકારે પણ એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં તમામ હોસ્પિટલોને એલર્ટ પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ચીનમાં ફેલાતા રહસ્યમય વાયરસને ધ્યાનમાં રાખીને સરકારી હોસ્પિટલોએ ફરી એકવાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને જાહેર આરોગ્ય અને હોસ્પિટલ સજ્જતાના પગલાંની તાત્કાલિક સમીક્ષા કરવાની સલાહ આપી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વર્ષની શરૂઆતમાં શેર કરાયેલ ‘કોવિડના સંદર્ભમાં સુધારેલી સર્વેલન્સ સ્ટ્રેટેજી માટે ઓપરેશનલ ગાઈડલાઈન્સ’ લાગુ કરવા માટે સલાહ આપવામાં આવી છે.