ભાજપના નેતા અમિત શાહે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન તાક્યુ હતું. શાહે કહ્યું, ‘મમતા દીદીનો સમય પૂરો થઈ ગયો છે. ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે. અને 2024ની ચૂંટણીમાં સત્તામાં આવશે.
તેમણે કહ્યું કે, મમતા બેનર્જી સોનાર બાંગ્લા અને મા માટી માનવીના નારા સાથે સામ્યવાદીઓને હટાવીને સત્તામાં આવ્યા, પરંતુ બંગાળમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. આજે પણ બંગાળમાં ઘૂસણખોરી, તુષ્ટિકરણ, રાજકીય હિંસા અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.
સાથે જ અમિત શાહે કહ્યુ કે હું આજે હું એક અપીલ કરવા આવ્યો છું કે જો 2026માં અહીં ભાજપની સરકાર બનાવવી હોય તો 2024ની લોકસભા ચૂંટણીમાં તેનો પાયો નાખો. અને મોદીજીને દેશના વડાપ્રધાન બનાવો.
અમિત શાહે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે સમગ્ર દેશમાં બંગાળમાં ચૂંટણી હિંસા સૌથી વધુ છે. મમતા બેનર્જી બંગાળમાં ઘૂસણખોરી અટકાવી શક્યા નથી. રાજ્યમાં ઘૂસણખોરોને મતદાર કાર્ડ અને આધાર કાર્ડનું ખુલ્લેઆમ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને મમતા બેનર્જી મૌન બેઠા છે.
જે બંગાળમાં એક સમયે વહેલી સવારે રવીન્દ્ર સંગીત સંભળાતું હતું, આજે એ જ બંગાળ બોમ્બ વિસ્ફોટોથી ગૂંજી રહ્યું છે. સમગ્ર દેશમાં ગરીબી ખતમ થઈ રહી છે. પરંતુ બંગાળમાં ગરીબી ઓછી થઈ રહી નથી.