પ્રધાનમંત્રીની આગેવાની હેઠળની મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે 1 જાન્યુઆરી, 2024થી કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) હેઠળ આશરે 81.35 કરોડ લાભાર્થીઓને પાંચ વર્ષના ગાળા માટે નિઃશુલ્ક અનાજ પ્રદાન કરશે. આ એક ઐતિહાસિક નિર્ણય છે, જે પીએમજીકેએવાયને વિશ્વની સૌથી મોટી સામાજિક કલ્યાણ યોજનાઓમાં સ્થાન આપે છે, જેનો ઉદ્દેશ પાંચ વર્ષનાં ગાળામાં અંદાજે રૂ. 11.80 લાખ કરોડનાં ખર્ચે 81.35 કરોડ વ્યક્તિઓ માટે ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
આ નિર્ણય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વસતિની મૂળભૂત ખાદ્યાન્ન અને પોષણની જરૂરિયાતો પૂર્ણ કરીને કાર્યદક્ષ અને લક્ષિત કલ્યાણ માટે મજબૂત કટિબદ્ધતા દર્શાવે છે. અમૃત કાલ દરમિયાન આ સ્તરે ખાદ્ય સુરક્ષાની ખાતરી કરવી એ મહત્વાકાંક્ષી અને વિકસિત ભારતના નિર્માણ તરફના પ્રયત્નોને સમર્પિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. પીએમજીકેએવાય હેઠળ 1.1.2024થી 5 વર્ષ માટે વિનામૂલ્યે અનાજ (ચોખા, ઘઉં અને બરછટ અનાજ/બાજરી) ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે તથા વસતિનાં ગરીબ અને નબળાં વર્ગોની કોઈ પણ પ્રકારની નાણાકીય મુશ્કેલીને હળવી કરશે. તે એક સામાન્ય લોગો હેઠળ 5 લાખથી વધારે વાજબી ભાવની દુકાનોનાં નેટવર્ક મારફતે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે અનાજની ડિલિવરીમાં રાષ્ટ્રવ્યાપી એકરૂપતા પ્રદાન કરશે.
તે ઓએનઓઆરસી-વન નેશન વન રાશન કાર્ડ પહેલ હેઠળ દેશમાં વાજબી ભાવની કોઈ પણ દુકાનમાંથી લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ ઉપાડવાની મંજૂરી આપવાના સંદર્ભમાં જીવન જીવવાની સરળતાને પણ સક્ષમ બનાવશે. આ પહેલ સ્થળાંતરકરનારાઓ માટે ખૂબ જ લાભદાયક છે, જે ડિજિટલ ઇન્ડિયા હેઠળ ટેકનોલોજી આધારિત સુધારાના ભાગરૂપે આંતરિક અને આંતર રાજ્ય એમ બંને પ્રકારના અધિકારોની પોર્ટેબિલિટીની સુવિધા પૂરી પાડે છે. નિઃશુલ્ક અનાજ એક સાથે સાથે સમગ્ર દેશમાં વન નેશન વન રાશન કાર્ડ (ઓએનઓઆરસી) હેઠળ પોર્ટેબિલિટીના એકસમાન અમલીકરણને સુનિશ્ચિત કરશે અને આ પસંદગી-આધારિત પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવશે. પીએમજીકેએવાય અંતર્ગત અનાજના વિતરણ માટે પાંચ વર્ષ માટે અંદાજે 11.80 લાખ કરોડ રૂપિયાની ખાદ્ય સબસિડી આપવામાં આવશે. એટલે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષનાં ગાળા દરમિયાન પીએમજીકેએવાય હેઠળ ખાદ્ય સબસિડી સ્વરૂપે આશરે રૂ. 11.80 લાખ કરોડનો ખર્ચ કરશે, જેથી લક્ષિત વસતિને નિઃશુલ્ક અનાજ મળી શકે.
પીએમજીકેએવાય હેઠળ 1 જાન્યુઆરી, 2024થી પાંચ વર્ષ માટે નિઃશુલ્ક અનાજની જોગવાઈ, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય ખાદ્યાન્ન અને પોષણ સુરક્ષાને લક્ષમાં રાખવા માટેની લાંબા ગાળાની કટિબદ્ધતા અને વિઝનને પ્રતિબિંબિત કરે છે. નિઃશુલ્ક અનાજની જોગવાઈથી સમાજનાં અસરગ્રસ્ત વર્ગની કોઈ પણ પ્રકારની નાણાકીય મુશ્કેલીને સ્થાયી સ્વરૂપે હળવી કરવામાં આવશે અને લાભાર્થીઓને શૂન્ય ખર્ચ સાથે લાંબા ગાળાની કિંમત નક્કી કરવાની વ્યૂહરચના સુનિશ્ચિત થશે, જે સરકારી વિતરણ વ્યવસ્થામાં અસરકારક રીતે પ્રવેશ માટે મહત્ત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, અંત્યોદય પરિવાર માટે 35 કિલો ચોખાની આર્થિક કિંમત રૂ. 1371 આવે છે, જ્યારે 35 કિલો ઘઉંની કિંમત રૂ. 946 આવે છે, જે પીએમજીકેએવાય હેઠળ ભારત સરકાર દ્વારા વહન કરવામાં આવે છે, અને પરિવારોને અનાજ સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે. આમ, મફત અનાજના કારણે રેશનકાર્ડ ધારકોની માસિક બચત નોંધપાત્ર છે.
ભારત સરકાર દેશના લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા ધરાવે છે – ગુણવત્તાયુક્ત ખાદ્યાન્નની પર્યાપ્ત માત્રાની ઉપલબ્ધતા દ્વારા તેમને ખાદ્ય અને પોષક સુરક્ષાની સુલભતા સુનિશ્ચિત કરીને એક પ્રતિષ્ઠિત જીવન. આ યોજના પીએમજીકેએવાય હેઠળ આવરી લેવામાં આવેલા 81.35 કરોડ લોકોને ભારત સરકારની પ્રતિબદ્ધતા પૂર્ણ કરવામાં પ્રદાન કરશે. લાભાર્થીઓનાં કલ્યાણને ધ્યાનમાં રાખીને અને લક્ષિત વસતિ માટે ખાદ્યાન્નની સુલભતા, વાજબીપણું અને ઉપલબ્ધતાની દ્રષ્ટિએ ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવા તથા તમામ રાજ્યોમાં એકરૂપતા જાળવવા માટે પીએમજીકેએવાય હેઠળ પાંચ વર્ષ સુધી વિના મૂલ્યે અનાજ પ્રદાન કરવાનું ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ એક ઐતિહાસિક નિર્ણય છે, જે દેશમાં ખાદ્ય અને પોષણ સુરક્ષાને મજબૂત કરવા માટે ભારતનાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સમર્પણ અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.