દેશમાં પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ મતદાન પૂર્ણ થઇ ચુક્યુ છે. જેના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. ત્યારે આ પાંચ રાજ્યના એક્ઝિટ પોલ પણ આવી ચુક્યા છે. તે વચ્ચે હવે મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો ચાલી રહી છે. મુખ્યમંત્રી માટે વિવિધ નામોની ચર્ચા થઇ રહી છે. આવા સમયે ભાજપ,કોંગ્રેસ, હોય કે પછી બીઆરએસ કે એમએનએફ બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે મુખ્યમંત્રી કોણ બનશે.
મિઝોરમમાં સંભવિત ઉમેદવારો કોણ છે?
મિઝોરમમાં મુખ્ય સ્પર્ધા મિઝો નેશનલ ફ્રન્ટ, કોંગ્રેસ અને જોરમ પીપલ્સ મૂવમેન્ટ વચ્ચે હતી. મિઝોરમમાં બહુમત મેળવવા માટે કોઈપણ પાર્ટીને ઓછામાં ઓછી 21 સીટોની જરૂર પડશે. આવી સ્થિતિમાં જો મિઝો નેશનલ ફ્રન્ટ આ આંકડો હાંસલ કરી લે છે તો વર્તમાન સીએમ જોરમાથાંગા ફરી સીએમ બની શકે છે. તે જ સમયે, જોરમ પીપલ્સ મૂવમેન્ટ ચૂંટણી જીતશે તો લાલદુહોમા નવા સીએમ તરીકે શપથ લેશે. જો ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો પણ બંને પક્ષો ભાજપ કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે.
રાજસ્થાનમાં કોનો નામની ચાલી રહી છે અટકળ ?
રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર છે. જો કોંગ્રેસ અહીં પોતાની સરકાર બચાવે છે તો સીએમ પદ અશોક ગેહલોતને જાય તેવી શક્યતા છે. ગેહલોતે અગાઉ પણ સંકેત આપ્યા છે કે તેઓ સીએમ પદ છોડવાના નથી. જો કે સચિન પાયલટના સમર્થકો તેમને સીએમ બનાવવાની માંગ કરી રહ્યા છે. જો ભાજપની વાત કરીએ તો આ વખતે પણ વસુંધરા રાજેનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે. જો કે પાર્ટી તરફથી સીએમની રેસમાં બાબા બાલકનાથ, દિયા કુમારી અને ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ ચર્ચાઇ રહ્યુ છે.
મધ્યપ્રદેશમાં કોણ સંભાળશે સુકાન ?
મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સ્પર્ધા છે. જો કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટી તરફથી સીએમ પદ માટે કમલનાથ સૌથી મજબૂત ચહેરો દેખાઈ રહ્યા છે. બીજી તરફ ભાજપે આ ચૂંટણી સીએમ શિવરાજના ચહેરાને બદલે સામૂહિક નેતૃત્વ હેઠળ લડવાનું નક્કી કર્યું છે. અને ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. જોકે શિવરાજ સિંહ ચૌહાણ હજુ પણ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. જો પાર્ટી કમાન અન્ય કોઈને સોંપે છે તો કૈલાશ વિજયવર્ગીય અને પ્રહલાદ સિંહ પટેલના નામ સામે આવી શકે છે.
છત્તીસગઢમાં કોને ઇચ્છી રહ્યા છે સીએમ તરીકે ?
છત્તીસગઢની 90 વિધાનસભા સીટો માટે 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. કોંગ્રેસ અને ભાજપ બંનેએ અહીં પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. જો રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો ભૂપેશ બઘેલને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે ટીએસ સિંહ દેવનું વલણ જોતા તેમને સીએમ પદ પર તક મળી શકે છે. જો ભાજપની વાત કરીએ તો ત્રણ વખતના સીએમ રમણ સિંહનું નામ સામે આવે છે. જો કે આ રેસમાં સાંસદ વિજય બઘેલ પણ સામેલ છે. ભાજપ યુવા ચહેરાઓ પર દાવ રમશે તો કેન્દ્રીય નેતૃત્વની નજીકના ઓપી ચૌધરીનું નામ સામે આવે છે.
તેલંગાણામાં કોની તાજપોશી થશે?
તેલંગાણામાં 30 નવેમ્બર, ગુરુવારે એક જ તબક્કામાં 119 બેઠકો માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં BRS ફરી એકવાર સીએમ કેસીઆરના નેતૃત્વમાં હતું. જો કે, જો BRS ચૂંટણી જીતે છે તો KCR તેમના પુત્ર KTRને સીએમ પદની જવાબદારી પણ આપી શકે છે. તે જ સમયે, જો કોંગ્રેસ આ ચૂંટણી જીતે છે, તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીને સીએમ પદની કમાન સોંપવામાં આવી શકે છે. આ સિવાય જો ભાજપ સરકાર બનાવવામાં સફળ થાય છે તો પાર્ટી ઈટાલા રાજેન્દ્ર અથવા બંદી સંજયના નામ પર વિચાર કરી શકે છે.