ગુજરાત સરકાર માટે નવેમ્બર મહિનો શુકનવંતો સાબિત થયો છે. નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે. નવેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટી હેઠળની આવકમાં 24%નો વધારો નોંધાયો છે અને જીએસટી કલેક્શનની આવક 5600 કરોડને પાર પહોંચી ગઈ છે.
રાજ્યના જીએસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતોમાં ગત વર્ષના નવેમ્બર મહિનામાં કરતા આ મહિનામાં જીએસટીના કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. નવેમ્બર 2023માં ગુજરાત રાજ્યની જીએસટી હેઠળની આવક 24% વધીને રૂ।.5600 કરોડને પાર પહોંચી છે.
ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ નવેમ્બર મહિના દરમિયાન 5,669 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના નવેમ્બર માસની આવક રૂ। 4,554 કરતાં 24% વધુ આંકવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી હેઠળની આવક સાતમી વખત 5000 કરોડને પાર પહોંચી છે.
નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ 8 માસમાં રાજ્યને એસજીએસટી અને આઈજીએસટી સેટલમેન્ટ થકી કુલ 41,989 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં 6,264 કરોડ (18%) વધુ છે. નવેમ્બર-2023 દરમિયાન રાજ્યને વેટ હેઠળ 2,901 કરોડની આવક થઈ હતી.
આમ, રાજ્યને નવેમ્બર-2023 ના માસ દરમિયાન જીએસટી અને વેટ હેઠળ કુલ 8,570 કરોડની આવક થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં નવેમ્બર માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ 72,966 કરોડની આવક થયેલ છે, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંકના 70% છે.