ડો. ભીમરાવ આંબેડકરનું નામ સમાજ સુધારણા માટેના સંધર્ષ માટે દેશભરમાં ગુંજી ઉઠ્યુ હતુ. ડો આંબેડકરે સમાજ સુધારણા માટે અને અધિકારો માટે લડત આપવા યુવકોને તૈયાર કર્યા હતા. તેમના સંધર્ષથી સમાજમાં સુધાર પણ આવ્યો અને અસ્પૃયતા પણ નાબુદ થઇ આવો જાણીએ ડો. ભીમરાવ આંબેડકરની સંઘર્ષ ગાથા….
સમાજને નવી દિશા
સમાજને નવી દિશા આપવા અને અસ્પૃશ્યતાને હટાવવા 1924માં સ્વતંત્ર સેનાની વીર સાવરકરે શંખનાદ કરી નાંખ્યો હતો. મહાત્માગાંધીએ પણ અસ્પૃશયતાના વિરોધમાં આંદોલન છેડી દિધુ હતુ. તો ડો. હેડગેવારનો પણ મત હતો કે સદીઓથી ત્રાસ તથા જુલમથી પિડિત અસ્પૃશ્ય સમાજના બંધુઓના ઉત્થાન માટે સંધર્ષ અને આંદોલન કરવું જરૂરી છે. આ શ્રેણીમાં જ ડો. આંબેડકરે બહિષ્કૃત હિતકારણી સભાની સ્થાપના કરી હતી. આ સભાનો ઉદેશ્ય અનુસુચિત જાતિને શિક્ષિત કરવા, તેમના માટે લાઇબ્રેરી કરવા, સમાજ કેન્દ્ર, વિદ્યા કેન્દ્ર ખોલવા તથા વિદ્યાર્થીઓના હિતનો અને તેમની અન્ય સમસ્યાઓ પર ધ્યાન આપવાનો હતો. આ સભાનો એક માત્ર ઉદેશ્ય અછૂતોઉદ્વારનો હતો.
મહાડનો જળ સત્યાગ્રહ
1926માં બોમ્બે સરકારેએ એક બિલ પાસ કર્યું, જેમાં કોલાબા જિલ્લાના મહાડ નગરપાલિકા દ્વારા અસ્પૃશ્ય બંધુ-બાંધવોને ચાવદાર તળાવના પાણીની સુવિધા પ્રદાન કરવાનો પ્રસ્તાવ મંજુર કરવામાં આવ્યો. જો કે પ્રસ્તાવ મંજુરીથી કાંઇ ન વળ્યુ. અને ડો.ભીમરાવે એક દિવસે મોટી સંખ્યામાં પોતાના અનુયાયીઓને સાથે લઇ જઇ તળાવના પાણીનો સ્પર્શ કરી ગ્રહણ કર્યુ. તે સાથે જ રૂઢિવાદી સમાજના કેટલાક વિરોધીઓએ ભ્રમાક પ્રચાર કરીને ડો.ભીમરાવ તેમજ તેમના અનુયાયિઓ સાથે દુરવ્યવહાર કરી તેના પર હુમલો કર્યો….ડો. ભીમરાવ પર થયેલા આ હુમલાએ સમાજને એક નવી દિશા પ્રદાન કરી.
મંદિરમાં પ્રવેશ માટે સંઘર્ષ
મંદિરોમાં પ્રવેશ અંગે ડો. ભીમરાવ આંબેડકરનું માનવું હતુ કે મંદિરમાં મૂર્તિ પુજાનો સૌ કોઇને અધિકાર છે. મંદિરમાં મૂર્તિઓને અડવાથી તે અપવિત્ર થઇ જતી નથી. તેઓએ મંદિરોમાં અનુસૂચિત જાતિના લોકો જઇ શકે તે માટે ક્રાંતિનું કાર્ય કર્યુ….. નાસિકમાં ભગવાન રામનું મંદિર છે. જ્યાં કાળા પત્થરમાં રામજીની પ્રતિમા કંડારવામાં આવી છે.પરંતુ તેના દર્શનની અનુમતિ અનુસુચિત જાતિને ન હતી. 2 માર્ચ 1930માં ત્યાં દર્શન માટે આંબેડકરે આંદોલન છેડ્યુ. સંઘર્ષ બાદ 1935માં મંદિર પ્રવેશનો કાયદો બન્યો અને મંદિરના દરવાજા અછુતો માટે ખુલી ગયા.
આ રીતે 1919-1935 દરમિયાન ભારતના અનુસૂચિત જાતિને વાચા આપવા માટે તેમણે સઘન પ્રયાસ કર્યા હતા. તેના જ ભાગ રૂપે પરંતુ તેનાથી વિશાળ ફલક પર 1936માં તેમણે ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ નામના રાજકીય સંગઠનની સ્થાપના કરી હતી. આ પક્ષના મુખ્ય ઉદ્દેશોમાં ભારતના ખેડૂતોની ગરીબી નાબૂદ કરવી, નવા ઉદ્યોગોની સ્થાપના કરવી તથા વર્તમાન ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવું આ ઉદ્દેશોનો સમાવેશ થયો હતો. ત્યાર બાદ તેમણે ‘શેડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશન’ નામની સંસ્થાની પણ સ્થાપના કરી હતી.
ડો. ભીમરાવ આંબેડકરના અન્ય સંધર્ષો
1931માં ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે તેમણે ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો
1928માં સાયમન કમિશન સમક્ષ દેશના અનુસૂચિત જાતિને લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત કરવા રજુઆત કરી
1938માં ડો.આંબેડકરની પ્રેરણાથી અસ્પૃશ્યોની પ્રથમ અખિલ ભારતીય પરિષદ યોજવામાં આવી
1932માં ‘પુણે કરાર’ પર સહીસિક્કા કરવામાં આવ્યા
પૂર્ણે કરાર મુજબ હિંદુઓ માટે ફાળવાયેલી કુલ બેઠકોમાંથી 148 બેઠકો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત કરાઇ
1946માં ડૉ. આંબેડકરની પહેલથી મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિ માટે શિક્ષણસંસ્થાઓ અને છાત્રાલયો શરૂ કરાયા
પોતાના જીવનકાળ દરમિયાન ડૉ. આંબેડકરે મેળવેલ પદવીઓ પરથી તેમની પ્રખર બુદ્ધિમત્તા અને વિદ્વત્તાનો પરિચય થાય છે. ડૉ. આંબેડકરે પોતાની જ્ઞાતિ માટે, સમાજ માટે અને બહોળા અર્થમાં સમગ્ર દેશ માટે જે શકવર્તી કાર્ય કર્યું છે તેની કદર રૂપે તેમને ભારત સરકારે 1990માં ‘ભારતરત્ન’ના સર્વોચ્ચ ખિતાબથી મરણોત્તર નવાજ્યા હતા.