ચેન્નાઈમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાતી તોફાન ‘મિચોંગ’ મંગળવારે બપોરે બાપટલા નજીક દરિયાકાંઠે ત્રાટક્યું હતું.આંધ્ર પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર છે. 110 કિમીની ઝડપે વાવાઝોડું આંધ્રના દરિયા કિનારે ત્રાટક્યું હતું. જેવું વાવાઝોડું ત્રાટક્યું કે તરત ભારે વરસાદ શરુ થઈ ગયો હતો અને જોતજોતામાં પૂર આવ્યું હતું.
ગઈકાલે સમાચાર હતા કે ચક્રવાત મિચોંગના કારણે તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ભારે વરસાદ થયો છે.જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને ખરાબ હવામાનના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત નિપજ્યા છે. ચેન્નાઈ એરપોર્ટનો રનવે પાણીથી ભરાઈ ગયો છે.જેના કારણે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે, કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.ચેન્નાઈ અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત મિચોંગના ખતરાને જોતા સાવચેતીના ભાગરૂપે આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે.ચેન્નાઈમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સિસ્ટમ દરિયાકાંઠાની નજીક ઉત્તર તરફ આગળ વધી રહ્યુ છે. જેમાં વોલ ક્લાઉડ વિસ્તારનો કેટલોક ભાગ જમીન પર સ્થિત છે. સિસ્ટમ ઉત્તર તરફ લગભગ સમાંતર અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક આગળ વધીને નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના બાપટલા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં 90-100 કિમી પ્રતિ કલાકથી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરી છે.
1 થી 1.5 મીટરની ઊંચાઈ સુધી ભરતીના મોજા
અધિકારીઓએ જણાવ્યું હતું કે દરિયો ખરબચડો હતો અને દરિયાકાંઠે 1 થી 1.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા જોવા મળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. રાયલસીમા અને તટીય આંધ્રના ઘણા ભાગોમાં સોમવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. તિરુપતિ જિલ્લા સહિત કેટલાક સ્થળોએ છેલ્લા 24 કલાક દરમિયાન 39 સેમી વરસાદ નોંધાયો છે.