આજકાલ હિન્દુ ધાર્મિક સ્થળોનો લોકો પર્યટન તરીકે ઉપયોગ કરતા થઇ ગયા છે. જો કે હવે હિન્દુ સનાતન ધર્મમાં ઘણા નિયમો બદલાયા છે. ત્યારે રાજકોટનાં મંદિરોમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજકોટનાં 100થી વધુ મંદિરોમાં સનાતન સ્વરાજ સંસ્થાના યુવાનોએ પોસ્ટર લગાવ્યાં છે.જેમાં મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓએ સહમતી દર્શાવી છે. મંદિરમાં લગાવાયેલાં પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે આ મંદિર પરિસરની જગ્યામાં કોઈ પણ વ્યક્તિએ ટૂંકાં વસ્ત્રો જેમ કે કેપ્રી, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ કરવો નહીં.
હિન્દુ સંસ્કૃતિ મુજબ અને મર્યાદા જાળવવા લેવાયો નિર્ણય
તો આગામી દિવસોમાં હજુ વધુ ઘણાં બધા મંદિરોમાં આ પ્રકારે પોસ્ટર લગાવાશે.ભગવાનની મર્યાદા જાળવવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યાં હોવાનો દાવો પોસ્ટર લગાડનારાઓ દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં તેમનું કહેવુ છે કે ટૂકાં વસ્ત્રો પહેરી મંદિરમાં ન આવવું જોઈએ.કોઈપણ કપડાં પહેરવાની સામે અમારો વિરોધ નથી.પરંતુ મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જતાં હોય ત્યારે મર્યાદા જળવાય તેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ. ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં દર્શન કરવા એ હિન્દુ સંસ્કૃતિ મુજબ યોગ્ય નથી.
દેશનાં અનેક મોટાં તીર્થ સ્થળોએ પણ બનાવાયા છે કડક નિયમ
મહત્વનું છે કે સૌરાષ્ટ્ર સહિત દેશનાં અનેક મોટાં તીર્થ સ્થળોએ પણ કડક નિયમ બનાવવામાં આવ્યો છે.જેમાં સોમનાથ અને દ્વારકા જેવાં અનેક મોટાં મંદિરોમાં ટૂંકાં અને ફાટેલાં વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.રાજકોટનાં હિન્દુ સંગઠનોનું કહેવું છે કે,મંદિરની પ્રતિષ્ઠા,ગરિમા અને મહત્ત્વ જળવાઇ રહે તે હેતુથી આ બાબતે જાગૃતિ આવે તે જરૂરી છે.