વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને સ્થાન મળ્યું છે. જેમાં યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સંગીતકાર ટેલર સ્વિફ્ટનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ફોર્બ્સે તેની યાદીમાં અન્ય ત્રણ ભારતીય મહિલાઓનો પણ સમાવેશ કર્યો છે. ભારતમાંથી નાણા મંત્રી સહિત એચસીએલ કોર્પોરેશનના સીઈઓ રોશની નાદર મલ્હોત્રા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ,અને બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શો પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે.
ફોર્બ્સની શક્તિશાળી મહિલાઓની વાર્ષિક યાદીમાં યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેન ટોચના સ્થાને છે. તો આ તરફ યુરોપિયન સેન્ટ્રલ બેંકના બોસ ક્રિસ્ટીન લેગાર્ડ બીજા સ્થાને અને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ત્રીજા સ્થાને છે.
મહત્વનું છે કે નિર્મલા સીતારમણ મે 2019 માં ભારતના પ્રથમ પૂર્ણ-સમયના નાણાં પ્રધાન બન્યા હતા. અને તેઓ કોર્પોરેટ બાબતોના મંત્રાલયના વડા પણ છે.નાણામંત્રી બનતા પહેલા નિર્મલા મોદી સરકારમાં રક્ષા મંત્રી રહી ચુક્યા છે.રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે યુકે એસોસિએશન ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયર્સ અને બીબીસી વર્લ્ડ સર્વિસમાં ભૂમિકાઓ નિભાવી હતી. આ સિવાય તે રાષ્ટ્રીય મહિલા આયોગની સભ્ય પણ રહી ચુકી છે.