લિવ ઇન રિલેશનશિપ એટલે લગ્ન સંબંધ કર્યા વગર એક સાથે રહેતા બે વિજાતિય વ્યક્તિ…..આ રિલેશનશિપને લઇને અનેક વખત કેટલાય પ્રશ્નો ઉઠી ચુક્યા છે. યુવક યુવતીઓ લીવ ઇન રિલેશનશિપને પ્રાધ્ન્ય આપી રહ્યા છે. તો આ તરફ એક વર્ગ એવો પણ છે. જે આ પ્રકારના સંબંધને ભારતીય સંસ્કૃતિનું ઉલ્લંધન માને છે. ત્યારે હરિયાણાના મહેન્દ્રગઢથી બીજેપી સાંસદ ધર્મબીર સિંહે શિયાળુ સત્રમાં લિવ-ઈન રિલેશનશિપને લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે લિવ-ઈન રિલેશનશીપને ખતરનાક રોગ ગણાવ્યો છે.અને સમાજમાંથી તેને ખતમ કરવાની જરૂર છે તેવી રજુઆત કરી છે. તેની સામે કાયદો બનાવવા માટે પણ તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમ અને ભાઈચારાની ફિલસૂફી માટે જાણીતી છે.
સાથે જ ધર્મબીર સિંહે એક ઉદાહરણ આપતા કહ્યુ કે લગ્નને એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે જે સાત પેઢીઓ સુધી ચાલે છે.ભારતમાં છૂટાછેડાનો દર 1.1 ટકા છે. જ્યારે યુએસમાં આ દર 40 ટકાની આસપાસ છે. વધુમાં તેમણે કહ્યુ કે માતા-પિતાની સહમતિથી ગોઠવાયેલા લગ્નોમાં છૂટાછેડાનો દર ખૂબ જ ઓછો છે. જો કે, તાજેતરમાં છૂટાછેડાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે અને તેનું મુખ્ય કારણ પ્રેમ લગ્ન છે.
લિવ-ઈન રિલેશનશિપના ગેરફાયદા ગણાવતા ધરમબીર સિંહે શ્રદ્ધા હત્યા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. ધર્મબીર સિંહે કહ્યું, “પશ્ચિમના દેશોમાં આવા સંબંધો સામાન્ય છે. પરંતુ આ બદીઓ આપણા સમાજમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. તેના પરિણામો અત્યંત ખતરનાક છે. તાજેતરમાં જ શ્રદ્ધા અને આફતાબ પૂનાવાલાનો કિસ્સો પણ સામે આવ્યો હતો. આ બંને એક સાથે રહેતા હતા. લિવ-ઇન રિલેશનશિપમાં.” સાંસદે વધુમાં કહ્યું કે આવા કિસ્સાઓ હવે લગભગ દરરોજ આવી રહ્યા છે. જેના કારણે આપણી સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. અને સમાજમાં નફરત પણ ફેલાઇ રહી છે.