“કેશ-ફોર-ક્વેરી” કેસમાં સંસદમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદમાં સભ્યપદ રદ કરવામાં આવ્યુ છે. મોઇત્રા વિરુદ્ધ સંસજમાં એક ધ્વનિમત સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા લાંચ લેવા અંગે પ્રશ્નો પૂછવાના મામલામાં લોકસભાની એથિક્સ કમિટિનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ વિજય સોનકરે આ અહેવાલ વિધાનસભામાં રજૂ કર્યો હતો. લગભગ અડધા કલાકની ચર્ચા બાદ લોકસભાએ એથિક્સ કમિટીના રિપોર્ટને મંજૂરી આપી હતી. જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની હકાલપટ્ટીની ભલામણ કરવામાં આવી હતી.ગૃહે મહુઆ મોઇત્રાને હાંકી કાઢવાના સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહુઆ મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન, સ્પીકરે કહ્યું, ‘આ ગૃહ સમિતિના નિષ્કર્ષને સ્વીકારે છે કે મહુઆ મોઇત્રાનું વર્તન અનૈતિક અને એક સાંસદ તરીકે અયોગ્ય હતું. તેથી તેમના માટે સાંસદ તરીકે ચાલુ રહેવું યોગ્ય નથી.
આ નિર્ણય બાદ મીડિયા સાથે વાત કરતી વખતે મહુઆ મોઇત્રા ગુસ્સે થઈ ગઈ હતી. તેણે દાવો કર્યો હતો કે કોઈ પણ પ્રકારની રોકડ કે ભેટ મળી હોવાના કોઈ પુરાવા નથી. તેમણે કહ્યું કે તેમને માત્ર એ આધાર પર સભ્યપદ રદ્દ કરવામાં આવી છે કે તેમણે સંસદનો લોગિન આઈડી-પાસવર્ડ શેર કર્યો હતો. જ્યારે સંસદમાં આ અંગે કોઈ નિયમ અને કાયદો નથી. તો આ તરફ મહુઆ આરોપ લગાવતા સંસદને ‘કાંગારૂ કોર્ટ’ ગણાવી કહ્યું કે અદાણી મોદી સરકાર માટે કેટલા મહત્વપૂર્ણ છે. એક મહિલા સાંસદનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ એથિક્સ કમિટીએ તેના રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે મહુઆ મોઇત્રા 2019-2023 વચ્ચે ચાર વખત દુબઈ ગઈ હતી.જ્યાં તેમનુ લોકસભા લોગિન ઘણી વખત એક્સેસ કરવામાં આવ્યુ હતુ. દુબઈમાં તેના લોગિન ઓળખપત્રોને 47 વખત એક્સેસ કરવામાં આવ્યા હતા. એથિક્સ કમિટીએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અને ગૃહ મંત્રાલયપાસેથી આઈપી એડ્રેસ રિપોર્ટ માંગ્યો છે.રિપોર્ટમાં મહુઆ મોઈત્રાને કડક સજા થવી જોઈએ તે સહિત અનેક તારણો સૂચવવામાં આવ્યા હતા.