અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. ત્યારે હવે થોડા જ દિવસોમાં ભક્તોની આતુરતાનો અંત આવશે. ત્યારે રામમંદિર ટ્ર્સ્ટ દ્વારા મંદિરના નિર્માણની પળ પળની માહિતી રામભક્તો સુધી પહોંચાડવામાં આવી રહી છે.એ જ કડીમાં જે જગ્યા પર રામ લલ્લા બિરાજમાન થવાના છે તે ગર્ભગૃહની દિવ્ય તસ્વીર સામે આવી છે. જે ખરેખર મનમોહી લે તેવી છે.
શ્રી રામ જન્મભૂમિના મહાસચિવ ચંપત રાયજીએ એક સુંદર ફોટો શેર કર્યો છે.આ ફોટો મંદિરના ગર્ભગૃહનો છે. જ્યાં ભગવાન રામ બિરાજમાન થશે. આ ફોટો જોવામાં ખૂબ જ અલૌકિક છે. ફોટો શેર કરતા ચંપત રાયજીએ કહ્યું કે ભગવાન શ્રી રામલલાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. તાજેતરમાં લાઇટિંગ-ફીટીંગનું કામ પણ પૂર્ણ થયું છે.
ત્યારે રામમંદિરના નિર્માણને લઇ વધુ વિગતો વિશે વાત કરીએ તો રામલલા માટે 600 કિલો ગાયનું ઘી, પાંચ બળદ ગાડામાં 108 ભંડારમાં ભરીને ગુરુવારે રામનગરીના કારસેવકપુરમ પહોંચ્યા છે. કારસેવકપુરમમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ખજાનચી ગોવિંદ દેવ ગિરી મહારાજે આરતી કરીને તેમનું સ્વાગત કર્યું હતુ. રાજસ્થાનના જોધપુરની શ્રી શ્રી મહર્ષિ સાંદીપનિ રામધર્મ ગૌશાળામાંથી આ ઘી અયોધ્યા મોકલવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં વર્ષોની તપસ્યાના 108 ભંડારમાં 600 કિલો સ્થાનિક ગાય ઘી ભરીને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવશે. આ ઘીથી હવન અને પ્રથમ આરતી પણ કરવામાં આવશે. આ ઘી ગૌશાળામાં જ બનાવવામાં આવે છે.