વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપવા બદલ એક મુસ્લિમ મહિલાને તેના દિયર દ્વારા માર મારવાની ઘટનાએ ખુબ ચર્ચા પકડી હતી. ત્યારે હવે આ પીડિત મુસ્લીમ મહિલાની વ્હારે ખુદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આવ્યા હતા. આ બાબતની તેમણે નોંધ લીધી હતી. અને મુસ્લિમ મહિલા અને તેના બાળકો સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સમીના બી નામની મહિલા પોતાના બાળકો સાથે સીએમ હાઉસ પહોંચી હતી.તેમને અહીં સીએમ શિવરાજ સિંહે બોલાવ્યા હતા. કારણ એ છે કે સીએમને માહિતી મળી હતી કે સિહોર જિલ્લાના બરખેડા હસન ગામની એક મુસ્લિમ મહિલા પર ભાજપને વોટ આપવા બદલ મારપીટ કરવામાં આવી હતી. શિવરાજ સિંહે તેમની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને તેમને સુરક્ષા અને સન્માનની ખાતરી આપી હતી.આ ઉપરાંત મુખ્યમંત્રીએ અધિકારીઓને કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે.
તો સાથે જ સીએમ શિવરાજે ટ્વીટ કરીને કહ્યું કે ‘મજબૂત લોકશાહી માટે ભાજપને વોટ આપવા બદલ મારી એક બહેનને તેના પરિવાર દ્વારા હેરાન કરવાનો મામલો મારા ધ્યાનમાં આવ્યો છે. મેં અધિકારીઓને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે પીડિત બહેનને સંપૂર્ણ સુરક્ષા અને આર્થિક સહાય પણ આપવામાં આવશે. તેમણે આગળ કહ્યું, ‘મારી બહેન, તમે કોઈ વાતની ચિંતા કરશો નહીં, તારો ભાઈ હંમેશા તારી સાથે છે.’