ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ મંત્રી રાઘવજી પટેલના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત 2024 પ્રતિનિધિમંડળે જયપુર રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતુ.આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રોડ શૉ બાદ, ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ઉદ્યોગ જગતના વિવિધ મહાનુભાવો સાથે વન ટુ વન મિટીંગ કરી હતી.આ સાથે જ તેમણે ઇન્ડિયન હેરિટેજ હૉલ એસોસિએશન, હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઑફ રાજસ્થાન એન્ડ એએમપી તેમજ રાજસ્થાન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સના પ્રવાસન હિતધારકો સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા પણ કરી.
આ વાતચીત દરમિયાન, તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે વાત કરતા કહ્યું કે, “ગુજરાત છેલ્લા બે દાયકાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે રોકાણ માટેનું સૌથી પસંદગીનું સ્થળ રહ્યું છે. રાજ્યને 2002 થી 2022 વચ્ચે કુલ USD 55 બિલિયનનું સંચિત FDI પ્રાપ્ત થયું છે.”
IT અને ITeS, સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને ડિફેન્સ તેમજ કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહકારના ક્ષેત્રોને એક્સપ્લોર કરવા તેમજ ગિફ્ટ સિટી, ધોલેરા SIR અને બાયોટેક પાર્ક જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સમાં રોકાણો આકર્ષિત કરવાના ઉદ્દેશથી બિઝનેસ અને કંપનીઓ માટે જયપુર રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતની વિકાસયાત્રા અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યુ કે રાજ્યમાં ગીફ્ટ સિટી, ધોલેરા અને માંડલ-બેચરાજી જેવા વિશેષ રોકાણ ક્ષેત્રો, પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ રિજન, ડાયમંડ રિસર્ચ અને મર્કન્ટાઈલ સિટી એટલે કે ડ્રીમ સિટી, સાણંદ ખાતેનું મેન્યુફેક્ચરીંગ હબ, લોજિસ્ટિક્સ પાર્ક, આગામી દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ જેવું ફ્યુચરિસ્ટીક અને વિશ્વ-સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થિત છે.
ગુજરાતમાં રહેલી સંભાવનાઓ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે સુરતમાં સ્થિત ડ્રીમ સિટી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે, જે હીરા, જેમ્સ અને જ્વેલરીના વેપારનું કેન્દ્ર છે. રાજસ્થાનના બિઝનેસીસને આમંત્રિત કરીને, તેમણે ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે, “920 ચોરસ કિલોમીટરને આવરી લેતું ધોલેરા એસઆઇઆર ઈલેક્ટ્રોનિક્સ, ઇમર્જિંગ ટેક્નોલોજી, ઓટો અને ઓટો એન્સિલિયરી, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, મેટલ્સ અને મેટએલર્જિકલ પ્રોડક્ટ્સ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એક્સપ્રેસ વે દ્વારા વિશ્વ સ્તરીય કનેક્ટિવિટી માટેની યોજનાઓ છે.” મંત્રીશ્રીએ કચ્છમાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કના વિકાસ અંગે, ભારતની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 15% યોગદાન આપવા અંગે અને નવી રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 હેઠળ 100 ગીગાવોટના લક્ષ્યાંક અંગે વાત કરીને રિન્યુએબલ એનર્જી માટે ગુજરાતની પ્રતિબદ્ધતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.