અમેરિકન રેટિંગ એજન્સી ફિચનું અનુમાન છે કે ભારતમાં આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં વર્તમાન સરકાર ફરીથી જીતે તેવી ‘ઉચ્ચ સંભાવના’ છે. મંગળવારે એક નિવેદનમાં, ફિચ રેટિંગ્સે, આગામી લોકસભાની ચૂંટણીઓ અંગે તેનું મૂલ્યાંકન રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે વર્તમાન વહીવટીતંત્રની વાપસીની ઉચ્ચ સંભાવના છે અને ભારતમાં નીતિઓમાં સાતત્યની અપેક્ષા છે. રેટિંગ એજન્સીએ કહ્યું, ‘મોટા પ્રમાણમાં, અમારું માનવું છે કે વર્તમાન સરકાર ભારત અને બાંગ્લાદેશમાં સત્તામાં રહેશે. ભારતમાં આવતા વર્ષે એપ્રિલ-મેમાં અને બાંગ્લાદેશમાં જાન્યુઆરીમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે.
ફિચે ભારતને ‘BBB-‘ રેટિંગ સાથે સ્થિર આઉટલુક આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપ હેઠળની વર્તમાન સરકાર હાલમાં તેના બીજા કાર્યકાળમાં છે. જો મોદી સરકાર ફરીથી ચૂંટણી જીતવામાં સફળ થાય છે, તો તે સતત ત્રીજી ટર્મ હશે. રેટિંગ એજન્સીએ કહ્યું કે એશિયાઈ ક્ષેત્રમાં રેટિંગ પોર્ટફોલિયોમાં સામેલ લગભગ અડધા દેશોમાં વર્ષ 2024માં સંસદ અથવા રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીઓમાં સાતત્યનો મુદ્દો પ્રભુત્વ ધરાવે છે તેવી અપેક્ષા છે.