અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય હવે પૂર્ણતાને આરે છે. સાથે જ રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા અને અભિષેકની તારીખ નજીક આવી રહી છે. ત્યારે નવા વર્ષ એટલે કે 2024ના શરૂઆતમાં 22 જાન્યુઆરીએ રામલલા અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે. રામ મંદિરનો અભિષેક વિધિ સમગ્ર વિશ્વના હિંદુઓ માટે આનંદનો વિષય છે. ત્યારે રામ મંદિરનો આ અભિષેક સાત સમંદર પાર અને અમેરિકામાં પણ ઉત્સાહ સાથે મનાવવામાં આવશે. અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયના લોકોએ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
મહત્વનું છે કે અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયના લોકો આવતા મહિને એટલે કે જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની ઉજવણી તેમના ઘરમાં પાંચ દીવા પ્રગટાવીને કરવાનું આયોજન કરી રહ્યા છે. સાથે જ અમેરિકન હિંદુ સમુદાયે પણ આ પ્રસંગે અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવાના છે. આમાં વિવિધ શહેરોમાં કાર રેલીઓ,ભવ્ય ઉદઘાટન સમારોહનું જીવંત પ્રસારણ અને સમુદાય બેઠકો વગેરેનો સમાવેશ થાય છે.
વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકાએ આ ઉજવણીમાં 1,000 થી વધુ મંદિરો અને વ્યક્તિઓને સહભાગી બનાવવા માટે એક વેબસાઇટ લોન્ચ કરી છે. આ સંસ્થા અમેરિકામાં ઉજવણીનું નેતૃત્વ કરશે. VHPAએ તમામ હિંદુ અમેરિકનોને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવા માટે તેમના ઘરમાં ઓછામાં ઓછા પાંચ દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘હિંદુ અમેરિકનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ છે. આ ઐતિહાસિક સમારોહનો ભાગ બનવા માટે મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો અયોધ્યા જવા માંગે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કમળના પુષ્પોથી રામ લલ્લાને અભિષેક કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા બાદ તમામ રામ ભક્તો ભવ્ય મંદિરમાં ભગવાન રામલલાના દર્શન કરી શકશે.સાથે જ પ્રસાદના વિતરણની સાથે ટ્રાફિકના માર્ગોને સરળ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. મંદિરમાં આવતા દરેક રામ ભક્તો આરામથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. દરરોજ દોઢ લાખથી અઢી લાખ લોકો ભગવાન રામ લાલાના દર્શન કરી શકશે. ચાર હરોળમાં દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.