મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર વિવાદ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે મંદિરની બાજુમાં આવેલા શાહી ઈદગાહ સંકુલના સર્વેને મંજૂરી આપી દીધી છે. જો કે સર્વે કેવી રીતે થશે તેની પદ્ધતિ 18 ડિસેમ્બરે નક્કી કરવામાં આવશે. પદ્ધતિ નક્કી થયા બાદ હાઇકોર્ટ વાંધા પર સુનાવણી કરશે. જસ્ટિસ મયંક કુમાર જૈને અગાઉ 16 નવેમ્બરે સંબંધિત પક્ષકારોને સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો.
‘ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન’ અને અન્ય 7 લોકોએ વકીલો હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદન દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગણી કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા ચિહ્નો છે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું.
ઉલ્લેખનીય છે કે અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ત્યાં હિંદુ દેવતાઓમાંના એક ‘શેષનાગ’ની છબી છે. તેમણે તેમના જન્મની રાત્રે ભગવાન કૃષ્ણની રક્ષા કરી હતી. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી. કે મસ્જિદના થાંભલાના નીચેના ભાગમાં હિંદુ ધાર્મિક પ્રતીકો અને કોતરણીઓ છે. અરજદારે કોર્ટને વિનંતી કરી છે કે અમુક નિર્ધારિત સમયગાળામાં શાહી ઇદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા પછી તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે એક કમિશનની નિમણૂક કરવામાં આવે.
તો આ તરફ અરજીકર્તાઓ દ્વારા આ સમગ્ર કાર્યવાહીની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા પણ વિનંતી કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં અલાહાબાદ હાઈકોર્ટે મથુરા કોર્ટમાં પેન્ડિંગ શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત તમામ કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધા હતા.