બુધવારે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષના સાંસદો આ મુદ્દે સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં ગુરુવારે આ મુદ્દે હંગામો થયો હતો. આ હોબાળા વચ્ચે કુલ 14 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પહેલા ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયનને રાજ્યસભામાં થયેલા હંગામાની વચ્ચે અપમાનજનક ગેરવર્તણૂક બદલ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પહેલા કોંગ્રેસના પાંચ સાંસદો ટીએન પ્રતાપન, હિબી ઈડન, એસ જોથિમની, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી પણ સતત હંગામો કરી રહેલા 5 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં જે લોકસભા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાં બેની બેહનન, મોહમ્મદ જાવેદ, પીઆર નટરાજન, કનિમોઇનો સમાવેશ થાય છે. આ બધાને લોકસભામાં અનુચિત વ્યવહાર માટે બચેલા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ડેરેક ઓ બ્રાયન પર ચેરમેન દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને ન માનવા અને ગૃહની કાર્યવાહીમાં અડચણ પહોંચાડવાના આરોપ લગાવતા ચેરમેને ગૃહના નેતા પીયૂષ ગોયલને આ વિષયમાં તેના વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની મંજૂરી આપી. આ પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર થયો, જે બાદ સભાપતિએ ડેરેક ઓ બ્રાયનને શેષ સત્ર માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી.