અમદાવાદ-વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. માહિતી મુજબ નકલી ડોક્યુમેન્ટને આધારે લોકોને વિદેશ મોકલાતા હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ 17 ટીમ બનાવી CID ક્રાઇમ શાખાએ વિવિધ શહેરોમાં કાર્યવાહી કરી છે. ત્યારે ગેરકાયદે વીઝા કાર્યવાહીને લઇને મહત્વના પુરાવાઓ પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિદેશમાં જવાની ઘલેછામાં રાજ્યમાંથી ગેરકાયદે વિદેશ જનારા લોકોના મોતની અનેક ઘટનાઓ સામે આવી છે. આ લોકો નકલી ડોક્યુમેન્ટને આધારે વિદેશમાં જતા હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. આ બધાની વચ્ચે હવે CID ક્રાઇમની ટીમ સતર્ક થઇ છે. ઉલ્લેખનીય છે કે CID ક્રાઇમ શાખાએ 17 ટીમ બનાવી અમદાવાદ-વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડ્યા હતા. CID ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 20 જેટલી વિઝા કન્સલ્ટન્સી ઓફિસ પર દરોડા પાડ્યાં છે. ખોટા દસ્તાવેજ પર વિઝાની પ્રોસેસ થતી હોવાની અનેક ફરિયાદો મળ્યા બાદ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ વિઝાની ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણી કરી છે. જો કોઇ બોગસ દસ્તાવેજ કે કામગીરીનો ખુલાસો થશે. તો ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે. અવારનવાર બોગસ વિઝા કંપનીઓ ઝડપાતી હોય છે. તેમજ એરપોર્ટ પર બોગસ વિઝા સાથે અનેક લોકોની ધરપકડ પણ થઇ રહી છે. જેને લઇ સઘન તપાસ હાથ ધરાઇ રહી છે.