ભારતના દુશ્મન નંબર વન અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં કોઈએ ઝેર આપી દીધું હોવાની અને તેની હાલત, ગંભીર હોવાની અને હોસ્પિટલમાં સારવાર લેતો હોવાની ખબરો વચ્ચે ભારતનો વધુ એક દુશ્મન અને આતંકી સંગઠન લશ્કરનો આતંકી હબીબુલ્લાહ પાકિસ્તાનમાં અજ્ઞાત હુમલામાં ઠાર મરાયો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ધરતીમાં પાલન પોષણ મેળવનાર અને ભારતમાં આતંકી પ્રવૃતિ કરનાર આતંકીઓ પાકિસ્તાનમાં જ ઠાર થઈ રહ્યા છે. આ કડીમાં વધુ એકનો ઉમેરો થયો છે. મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સૈયદનો નજીકનો ગણાતો આતંકી હબીબુલ્લાહને ગઈકાલે રવિવારે સાંજે અજ્ઞાત બંદુકધારીઓએ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આતંકી હબીબુલ્લાહ ભારતમાં ઉડીમાં થયેલા આતંકી હુમલામાં પણ સામેલ હતો. આ એટેક 2016માં થયો હતો, ત્યારબાદ ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી.