ગાંધીનગર ખાતે સમદર્શન આશ્રમ પરિવાર દ્વારા આયોજિત પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીની શ્રીમદ્ ભાગવત કથાનો ગાંધીનગરમાં ભક્તિ-ભાવથી શુભારંભ થયો હતો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત સરકારના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રીકૃષ્ણકાન્ત જહાએ શ્રીમદ્ ભાગવત ભગવાનજીની આરતી ઉતારી હતી. મહાનુભાવોએ મંગલદીપ પ્રગટાવીને પણ ભાગવત કથાનો શુભારંભ કરાવ્યો હતો.
ગાંધીનગરના સેક્ટર-૧૧ માં ભાગવત કથા મેદાન, એલ.આઈ.સી.ઓફિસની સામે, બૅન્ક ઑફ બરોડાની પાછળના મેદાનમાં યોજાઈ રહેલી શ્રીમદ્ ભાગવત કથાના શુભારંભ અવસરે પ્રવક્તા પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીએ કહ્યું હતું કે, પ્રેમ કરવા જેવા તો એક ભગવાન જ છે. એક ઈશ્વર જ છે, જેને પ્રેમ કરીએ તો બેડો પાર થઈ જાય છે. કૃષ્ણને કેવી રીતે પ્રેમ કરવો? આપણા વ્હાલા વાલમજીને વ્હાલ કેવી રીતે કરવું ? એ વ્હાલની વાતો જ ભાગવતમાં ફરી ફરીને આવતી રહે છે.
ભાગવત કથા ને ક્યારેય મનોરંજન માત્ર સમજવું નહીં, ભાગવત કથાનું યોગ્ય રીતે શ્રદ્ધા-ભક્તિપૂર્વક એનું શ્રવણ કરી અને પ્રયત્ન એવો કરવો જોઈએ કે જીવનમાં ભક્તિ આવે. ભક્તિની વૃદ્ધિ થાય, ભક્તિને સમજીએ, ઈશ્વર તત્વને અનુભવીને આપણા જીવનમાં ભગવાનને સ્થાન આપીએ. ઘરમાં સેવા-પૂજા-પાઠ-પારાયણ આ બધું કરતા થઈએ. ભગવાનના આપેલા ઉપદેશને આપણે સમજતા થઈએ, એને જીવનમાં ઉતારીએ. ભાગવત કથાનું ફળ સાત દિવસ પછી આપણને અનુભવાવું જોઈએ. દરેકે અનુભૂતિ કરવી જોઈએ કે, મારી ભક્તિ વધી, મારા અંતરમાં ભગવાનનો ભરોસો વધ્યો, મારા અંતરમાં મને શાંતિ છે. ભગવાન પ્રત્યે હું વધારે સમર્પિત થયો. ભાગવત કથા સાંભળ્યા પછી આ અનુભૂતિ થવી જોઈએ.
પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીની શ્રીમદ્ ભાગવત કથા ગાંધીનગરમાં તા. ૨૪ ડિસેમ્બર સુધી દરરોજ બપોરે ૨.૩૦ થઈ ૬.૩૦ સુધી યોજાશે. ગાંધીનગરના ધર્મપ્રેમી નાગરિકોને કથા શ્રવણનો લ્હાવો લેવા સમદર્શન આશ્રમ પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.