દેશમાં ફરી એકવાર કોરોનાના પડઘા સંભળાઇ રહ્યા છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-૧૯ના ચેપના નવા વેરિયન્ટ જેએન-૧ને કેરળમાં આવ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કર્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયા છે. અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી પાંચ લોકોના મૃત્યુ પણ નોંધાયા છે.
કોરોનાના લીધે કેરળમાં ચાર અને યુપીમાં એકનું મોત થયું છે. તેના લીધે બંને રાજ્યોની સરકાર દોડતી થઇ છે. આમ કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૫,૩૩,૩૧૬ના મોત થયા છે. જો કે કોરોનાના લીધે દેશમાં મૃત્યુદર ૧.૧૯ ટકા જ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રિકવરી દર ૯૮.૮૧ ટકા આંકવામાં આવ્યો છે.
તો આ તરફ કર્ણાટકમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે. રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સુધાંશ પંતે કહ્યું છે કે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.
તો આ તરફ WHOના વૈશ્વિક સ્વાસ્થ્ય એકમના કોવિડ-૧૯ના ટેકનિકલ પ્રમુખ ડો. મારિયા વાન કોરખોવે એક વિડીયો પણ જાહેર કર્યો છે. તેમણે કોરોનાના કેસોની સંખ્યામાં વધારાનું કારણ સમજાવ્યું અને તેના માટે કઈ-કઈ સાવધાની રાખવી તેની પણ જાણકારી આપી છે. આ વેરિયન્ટે અમેરિકા સહિત કેટલાય દેશોને ઝડપથી ચેપગ્રસ્ત કર્યા છે.