ગુજરાતમાં તાજેતરમાં જ માવઠાને કારણે ખેડુતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ફરી એકવાર માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જો કે વરસાદની આગાહીના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગત માવઠામાં જ ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે ભર શિયાળે વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ ફરી પડિકે બંધાયા છે. દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે છેલ્લા બં દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે. અત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન 2થી3 ડિગ્રી ઘટ્યું છે. ત્યાર આ પરિસ્થિતી વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે. ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે. તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી આસપાસ નોંધાયું છે.પવનની ગતિના કારણે આજે ઠંડી ભારે ચમકારો જોવા મળ્યો છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી ઘટી શકે શકે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે.
જો કે શિયાળાની મોસમ હજુ જામી નથી. છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો છે. ત્યારે ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો જો કે માવઠાની આગાહી બાદ ચિંતામાં પરિવર્તીત થયો છે.