અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન કાયદાકીય સંકજામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ તેમને નોટિસ મોકલી છે. ઉલ્લેખનીય છે કે ગૌરી ખાન રિયલ એસ્ટેટ કંપની તુલસીયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર છે. તેને 2015માં લખનૌની આ રિયલ એસ્ટેટ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. કંપની પર બેંકો અને રોકાણકારો સાથે લગભગ 30 કરોડ રૂપિયાની ઉચાપત અને છેતરપિંડી કરવાનો આરોપ છે. જેના કારણે હવે ગૌરી ખાન પણ તપાસ માટે EDના રડાર પર આવી ગઈ છે.
મળતી માહિતી મુજબ તુલસીયાની ગ્રૂપ સામે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં ગૌરી ખાનને પણ આરોપી બનાવવામાં આવી છે. આ કેસમાં ગૌરી ખાનની ટૂંક સમયમાં પૂછપરછ થઈ શકે છે. ગૌરી ખાનને કંપની સાથે કયો કોન્ટ્રાક્ટ કર્યો છે અને તેના માટે કેટલી રકમ ચૂકવવામાં આવી છે તે બાબતે પુછી શકે છે.
આ કેસ પહેલીવાર માર્ચ 2023માં પ્રકાશમાં આવ્યો હતો. અને તે સુશાંત ગોલ્ફ સિટીના લખનૌ સ્થિત તુલસીયાની ગ્રુપના પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. આ પ્રોજેક્ટમાં મુંબઈના એક વ્યક્તિએ 2015માં ફ્લેટ ખરીદ્યો હતો. જેની કિંમત 85 લાખ રૂપિયા હતી. પરંતુ પૈસા ચૂકવ્યા બાદ પણ તેને આ ફ્લેટ મળ્યો ન હતો.