મુંબઇ શેરબજારમાં આજે પ્રારંભિક મંદી બાદ તેજીનો વળાંક આવી ગયો હતો. અને સેન્સેક્સમાં 250 પોઇન્ટથી અધિકનો ઉછાળો હતો. શેરબજારમાં આજે શરુઆત નબળી રહ્યા બાદ વિદેશી સંસ્થાઓની લેવાલી શરુ થતા તેજીનો વળાંક આવી ગયો હતો. અર્થતંત્રનું ફુલગુલાબી ચિત્ર તથા વિકાસદર ઉંચો રહેવાના વધુ એક રીપોર્ટની સારી અસર હતી.
મોંઘવારીની આશંકા દુર થવા લાગી હોય તેમ અમેરિકા સહિતના રાષ્ટ્રોએ વ્યાજદર જાળવી રાખ્યાની સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નીચા મથાળે ખરીદી આવી જતી હોવાથી માર્કેટ તેજીના ઝોનમાં જ હોવાનું સાબિત થાય છે. શેરબજારમાં આજે નેસલે, એનટીપીસી, કોલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટસ, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક જેવા શેરો ઉંચકાયા હતા.
ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઇટન, એચડીએફસી બેંક, હીરો મોટો, વીપ્રો, અદાણી પોર્ટસમાં ઘટાડો હતો. મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 252 પોઇન્ટસના સુધારાથી 71567 હતો તે ઉંચામાં 71575 તથા નીચામાં 71071 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 66 પોઇન્ટ ઉંચકાઇને 21485 હતો તે ઉંચામાં 21487 તથા નીચામાં 21337 હતો.