ભારતીય રિઝર્વ બેંક નિયમોનું પાલન ન કરવા બદલ સહકારી બેંકો સામે પગલાં લેતી રહે છે. તાજેતરમાં જ સેન્ટ્રલ બેંકે ફરી એકવાર પાંચ સહકારી બેંકો પર લાખોનો દંડ ફટકાર્યો છે. જે બેંકો પર કાર્યવાહી કરવામાં આવી છે તેમાં મનમંદિર કો-ઓપરેટિવ બેંક, પુણેની સનમિત્ર કો-ઓપરેટિવ બેંક, ગુજરાત મહેસાણાની લખવાર નાગરીક કો-ઓપરેટિવ બેંક, પશ્ચિમ બંગાળની કોંટાઈ કો-ઓપરેટિવ બેંક અને સર્વોદય કો-ઓપરેટિવ બેંકના નામ સામેલ છે.
રિઝર્વ બેંકે મનમંદિર કો ઓપરેટિવ બેંક પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. KYCના નિયમોની અવગણના કરવા અને ગ્રાહકોના જમા ખાતા વિશે પૂરતી માહિતી ન રાખવાને કારણે બેંક પર આ કાર્યવાહી કરવામાં આવી છે. રિઝર્વ બેંકે તમામ બેંકો માટે KYC અપડેટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે આ સ્થિતિમાં RBI તે બેંકો પર દંડ લાદે છે જે નિયમોની અવગણના કરે છે. આરબીઆઈએ ગુજરાતના મહેસાણાની લખવાર નાગરિક સહકારી બેંકને લોન અને એડવાન્સ વિશે સાચી માહિતી ન આપવા બદલ રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે.
કોંટાઈ કો-ઓપરેટિવ બેંકને પણ KYC ધોરણોની અવગણના કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સર્વોદય સહકારી બેંક પર મિનિમમ બેલેન્સ જાળવવા માટે ગ્રાહકો પાસેથી મનસ્વી રીતે દંડ વસૂલવા અને બેંક ડિપોઝીટ ખાતા વિશે સાચી માહિતી આપવામાં નિષ્ફળ રહેવા બદલ રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જમા ખાતાની માહિતી રોકવા બદલ પૂણેની સંમિત્રા કો-ઓપરેટિવ બેંક પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અલગ-અલગ બેંકો પર કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તેનો ઉદ્દેશ બેંકોના કામકાજમાં દખલ કરવાનો બિલકુલ નથી પણ નિયમોની અવગણનાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે RBIએ જણાવ્યું કે આનાથી ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય અને આ તમામ બેંકો સામાન્ય રીતે કામ કરતી રહેશે.