ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પક્ષો જ નહીં, વહિવટીતંત્ર દ્વારા પણ તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મહત્વની વાત એ છે કે માત્ર ભારત જ નહિં, દુનિયાનાં 76 દેશોમાં નવા વર્ષે ચુંટણી થવાની છે અને વિશ્વ માટે ઈતિહાસનું સૌથી મોટુ ચૂંટણી વર્ષ બની રહેવાનું છે. નવા કેલેન્ડર વર્ષ 2024 માં ભારત, અમેરીકા, સહીત વિશ્વનાં 76 દેશોમાં ચૂંટણી યોજાવાની છે તે પૈકી 43 લોકશાહી ધરાવતાં રાષ્ટ્રો છે અને તેમાંથી 27 યુરોપીયન યુનિયન સાથે જોડાયેલા દેશો છે મહત્વપૂર્ણ બાબત એ છે કે દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા ટોપ-10 રાષ્ટોમાંથી 8 દેશોમાં ચૂંટણી છે અને તેમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરશે.
આ રાષ્ટ્રોમાં ભારત, બાંગ્લાદેશ, બ્રાઝીલ, ઈન્ડોનેશીયા, મેકસીકો, પાકિસ્તાન, રશીયા, તથા અમેરિકાનો સમાવેશ થાય છે. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી એપ્રિલ-મે માં લોકસભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારને જીતની હેટ્રીક સર્જતી રોકવા માટે કોંગ્રેસ સહીતનાં વિરોધપક્ષો ઈન્ડિયા ગઠબંધન હેઠળ એકજુટ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે ભારતની ચૂંટણી મહત્વપૂર્ણ બનશે અને દુનિયાભરનાં દેશોની તેના પર નજર રહેવાનું સ્વાભાવીક છે.આ સિવાય દક્ષિણ-પૂર્વ એશીયામાં સૌથી મોટી વસતી ધરાવતા દેશ ઈન્ડોનેશીયામાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે. જયાં સતાધારી પાર્ટીનો વિજય નિશ્ચીત મનાય છે. બ્રાઝીલની ચૂંટણી ઓકટોબરમાં યોજાશે જયાં વર્તમાન રાષ્ટ્રપતિ લુલાડી સિલ્વાની વામપંથી વર્કર્સ પાર્ટી જીતશે કે તેના પ્રતિસ્પર્ધી વાલ્સોનારોની પાર્ટી મેદાન મારી જશે તેના પર નજર રહેશે.
નવેમ્બર મહિનામાં વિશ્વની મહાસતા અમેરીકામાં મતદારો પોતાના પ્રમુખ ચૂંટશે જે દરમ્યાન અમેરિકી સંસદના નીચલા ગૃહ અર્થાત પ્રતિનિધિ સભાની તમામ બેઠકો માટે મતદાન થશે. ઉપરાંત ઉપલા ગૃહ અર્થાત સેનેટની એક તૃતિયાંશ બેઠકો માટે પણ મતદાન થશે. સતાધારી ડેમોક્રેટીક પાર્ટીનો ચહેરો વર્તમાન પ્રમુખ જો બાઈડન જ હશે.પાર્ટી સતત બીજી ટર્મ માટે તેમને મેદાનમાં ઉતારશે. રીપબ્લીકન પાર્ટી પુર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પર્ધામાં ઉતારી શકે છે. જોકે, તેઓને કોર્ટે ચૂંટણી લડવામાં ગેરલાયક ઠેરવ્યા હોવાથી આગળનો કાનુની જંગ મહત્વપૂર્ણ બનશે. 2024 ની શરૂઆતમાં તાઈવાનની ચૂંટણી પર સમગ્ર દુનિયાની નજર રહેવાની સંભાવના છે 13 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીના આધારે તેના ચીન સાથેના ભાવી સંબંધોનું ચિત્ર ઉપસશે. ચીનથી અલગ ઓળખ રાખવાની આગ્રહી સતાધારી ડેમોક્રેટીક પ્રોગ્રેસીવ પાર્ટીની ફરી જીત થવાનું મનાય છે.
કયા દેશોમાં કયારે ચૂંટણી?
જાન્યુઆરી
બાંગ્લાદેશ, કોમોરોસ, તાઈવાન
ફેબ્રુઆરી
બેલારૂસ, કંબોડીયા, અલ-સાલ્વાડોર, ઈન્ડોનેશિયા, માલી, પાકિસ્તાન
એપ્રિલ
ભારત
મે
ડોમિનિકલ રીપબ્લીક, પનામા
જુન
ઓસ્ટ્રીયા, બેલ્જીયમ, બલ્ગારીયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક રીપબ્લીક, ડેનમાર્ક, એસ્ટોનીયા, ફીનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, હંગેરી, આઈસલેન્ડ, આયરલેન્ડ, ઈટલી, લાતવિયા, લીથુઆનીયા, લગ્ઝમબર્ગ, માલ્ટા, મેકસીકો, નેધરલેન્ડ, પોલેન્ડ, પાર્ટુગલ
ઓકટોબર
બ્રાઝીલ, મોઝામ્બીક
નવેમ્બર
પલાઉ
ડીસેમ્બર
ઘાના
અન્ય દેશો
બોત્સવાના, બ્રિટન, જયોર્જીયા, ગીનીબિસઉ, જોર્ડન, મોરિટાનિયા, મોરેશીયસ, મંગોલીયા, નામીબીયા, ઉતર કોરિયા, યુક્રેન, ઉતર મૈસિડેનિયા જેવા દેશોમાં પણ 2024માં ચુંટણી થવાની છે.