કર્ણાટક રાજ્ય કોંગ્રેસ સરકારે શનિવાર (23 ડિસેમ્બર 2023)થી કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે (22 ડિસેમ્બર 2023) મૈસુર જિલ્લાના નંજનગુડમાં ત્રણ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન સમયે આ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેની પાછળ દલીલ કરી હતી કે ડ્રેસ અને ફૂડની પસંદગી વ્યક્તિગત છે. તેથી તેના પર પ્રતિબંધ ન હોવો જોઈએ. આ દરમિયાન તેમણે ભાજપ પર પહેરવેશ અને જાતિના આધારે લોકોને વહેંચવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોઈએ વોટ બેંકની રાજનીતિમાં પડવું જોઈએ નહીં.
બીજેપી પર કટાક્ષ કરતા સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે, “તેઓ ‘સબકા સાથ, સબકા વિકાસ’ કહે છે, પરંતુ તેઓ ટોપી, બુરખો અને દાઢીવાળાને નજરઅંદાજ કરે છે. શું તેઓનો અર્થ એ જ છે?” જણાવી દઈએ કે મે મહિનામાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે સંકેત આપ્યા હતા કે જો તે રાજ્યમાં સત્તામાં આવશે તો હિજાબ પરનો પ્રતિબંધ હટાવી દેશે.
હિજાબ પર પ્રતિબંધ અંગેના એક સવાલ પર સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, “તમે હિજાબ પહેરી શકો છો. મેં સૂચના આપી છે કે આવતીકાલથી આના પર કોઈ પ્રતિબંધ નહીં હોય. તમે કંઈપણ પહેરી શકો છો અને ખાઈ શકો છો. તે તમારા ઉપર છે.” મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “તમારી પસંદગી તમારી છે અને મારી પસંદગી મારી છે. હું ધોતી-કુર્તા પહેરું છું અને તમે પેન્ટ-શર્ટ પહેરો છો તે તમારી પસંદગી છે તેમાં શું ખોટું છે?”
કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું, “કોંગ્રેસ સરકાર ગરીબો, પછાત વર્ગો, દલિતો અને લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે સત્તામાં આવી છે.” તેમની સરકારની પાંચ ગેરંટી વિશે, મુખ્યમંત્રીએ કહ્યું કે તેનો લાભ તમામ જાતિ, ધર્મ અને રાજકીય વિચારધારાના લોકોને આપવામાં આવશે. તેમણે કહ્યું, “ભાજપ સમર્થકો પણ આનો લાભ લઈ રહ્યા છે અને બસમાં મફતમાં મુસાફરી કરી રહ્યા છે. અમે ભેદભાવ કરતા નથી.”
પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કોંગ્રેસ સરકારની આ જાહેરાતને સમાજના હિતની વિરુદ્ધ ગણાવી છે. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને પાછો ખેંચવાનો નિર્ણય સંસ્થાઓના બિનસાંપ્રદાયિક સ્વભાવ વિશે ચિંતા ઉભો કરે છે. તેમણે કહ્યું કે, શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાકને મંજૂરી આપીને કર્ણાટક સરકાર યુવાનોને ધાર્મિક આધાર પર વિભાજિત કરી રહી છે.
કર્ણાટક બીજેપીએ કહ્યું કે સિદ્ધારમૈયા PFI ગુંડાઓ અને લઘુમતીઓને ખુશ કરવા વોટ બેંક માટે બંધારણમાં જ સુધારો કરવા જઈ રહ્યા છે. ભાજપે કહ્યું કે તેની સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખ્યો છે. આગામી દિવસોમાં જનતા જ તેને પાઠ ભણાવશે.
ખરેખર, રાજ્યની ભાજપ સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં એકરૂપતા લાવવા માટે ડ્રેસ કોડ લાગુ કર્યો હતો. જેમાં ક્લાસમાં હિજાબ પહેરીને બેસવા પર પ્રતિબંધ હતો. કર્ણાટક અને દેશના અન્ય ભાગોમાં પણ આને લઈને હોબાળો થયો હતો. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં વિરોધ પ્રદર્શનો થયા હતા અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓને થોડા સમય માટે બંધ રાખવામાં આવી હતી. આ મામલો ઉડુપીની ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી કોલેજ ફોર ગર્લ્સથી શરૂ થયો હતો. આ કોલેજની છ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ક્લાસમાં જવાની મંજૂરી નહોતી. આ અંગેનો વિરોધ ડિસેમ્બર 2021માં શરૂ થયો હતો જે રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ફેલાઈ ગયો હતો. બાદમાં તે દેશના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગઈ.
એટલું જ નહીં આ મામલો કર્ણાટક હાઈકોર્ટ થઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આખરે નિર્ણય લેવામાં આવ્યો કે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરીને વર્ગખંડમાં બેસવા પર પ્રતિબંધ રહેશે. યુનિફોર્મ પહેરીને જ ક્લાસમાં આવવા દેવામાં આવશે. સ્ટુડન્ટ્સ હિજાબ પહેરીને સ્કૂલમાં આવી શકતી હતી, પરંતુ ક્લાસરૂમમાં પ્રવેશતા પહેલા તેણે પોતાનો હિજાબ ઉતારવો પડશે.