2023નું વર્ષ હવે થોડા જ દિવસમાં સમાપ્ત થવા જઇ રહ્યુ છે. અને ટૂંક સમયમાં નવું વર્ષ શરૂ થશે. ત્યારે 2023માં વિશ્વભરમાં ઘણી ઘટનાઓ બની છે. કેટલીક જગ્યાએ યુદ્ધ થયું તો કેટલાક દેશો આપત્તિનો શિકાર પણ બન્યા છે. દેશ અને દુનિયામાં અનેક આંદોલનો પણ થયા.તો આ તરફ ભારતમાં પણ ઘણી મોટી રાજકીય ઘટનાઓ બની…દેશમાં ક્યાં ક્યાં ચૂંટણી યોજાઇ જેમાં કોણ જીત્યું અને કોણ હાર્યું? આ વર્ષ કોના માટે ખાસ રહ્યું અને કોણ નિરાશ થયું? વર્ષના અંત પહેલા નજરે કરીએ કેટલીક વિશેષ ઘટનાઓ પર…..
બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોનો વિરોધ
2023ની શરૂઆત ભારતીય રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને ભાજપના સાંસદ વિરુદ્ધ ખેલાડીઓ દ્વારા જાતીય શોષણના ગંભીર આરોપો સાથે થઇ હતી. એક તરફ જ્યાં બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા સ્ટાર રેસલર્સે સતત 44 દિવસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને WFI પ્રમુખ પર ગંભીર આરોપો લગાવ્યા હતો. તો બીજી તરફ બ્રિજ ભૂષણ તમામ આરોપોને નકારતા રહ્યા. આખરે, કોર્ટના હસ્તક્ષેપ પછી, આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી અને ખેલાડીઓની હડતાલ સમાપ્ત થઈ. હાલ મામલો કોર્ટમાં છે અને નિર્ણયની રાહ જોવાઈ રહી છે. ત્યારે આ વચ્ચે રેસલર સાક્ષી મલિકએ રેસલિંગમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. સિસોદિયાની આ ધરપકડ લીકર મામલા સાથે જોડાયેલા હતી. સિસોદિયાએ ધરપકડ બાદ 1 માર્ચ 2023એ દિલ્હીના ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ઘણા ટોચના નેતાઓની અલગ-અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પાર્ટીના સાંસદ સંજય સિંહ અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે પણ કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે.
ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી
2 માર્ચે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા અને ફરી એકવાર બંને રાજ્યોમાં ભાજપનો ઝંડો લહેરાયો. જ્યારે પાર્ટીએ ત્રિપુરા અને નાગાલેન્ડમાં તેની સરકાર જાળવી રાખી, મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા પરિણમી. જો કે, મેઘાલયમાં સત્તામાં કોઈ ફેરફાર થયો ન હતો અને કોનરાડ સંગમાના નેતૃત્વમાં ફરી એકવાર નેશનલ પીપલ્સ પાર્ટીની સરકાર રચાઈ હતી.
રાહુલ ગાંધીની સંસદમાંથી કરાઇ હતી હકાલ પટ્ટી, ફરી પાછા ફર્યા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી લોકસભા સાંસદ રાહુલ ગાંધીને કોર્ટના નિર્ણય બાદ સંસદ સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ મોદી સરનેમ મામલે કરેલી ટિપ્પણી મામલે માનહાનિ કેસ’માં 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, બાદમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી ફરી એકવાર સંસદ સભ્ય તરીકે તેમની સેવાઓ ચાલુ રાખવા માટે લાયક બન્યા હતા.
અતિક અહેમદનું એન્કાઉન્ટર
અતીક અહમદ અને તેના ભાઇ અશરફ અતીકની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરાઇ હતી. આતંકનું બીજું નામ ગણાતા અતીક સફળ રાજકીય કરિયરની સાથે સાથે ગંભીર ગુનાઇત ઇતિહાસ ધરાવતા હતો. અતીકના ગુનાઓની યાદી ઘણી લાંબી છે. તેનું રાજકીય કરિયર પણ ખાસ્સુ ચર્ચામાં રહ્યુ હતુ.
ભારત સૌથી વધુ વસ્તીવાળો દેશ બન્યો
ભારતે એપ્રિલમાં એક રેકોર્ડ બનાવ્યો હતો. ભારત વસ્તીની દ્રષ્ટિએ ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો. સંયુક્ત રાષ્ટ્રના અનુમાન મુજબ, ભારતની વસ્તી આગામી ત્રણ દાયકા સુધી વધવાની ધારણા છે. ભારતની જનસંખ્યા 142.86 કરોડ સાથે ચીનથી પણ વધુ વસ્તી વાળો દેશ બન્યો…
પીએમ મોદીએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું
28 મે 2023એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું. જો કે, ભારતીય ઈતિહાસના સૌથી ગૌરવશાળી દિવસમાંથી એક હોવા છતાં વિવાદથી દુર ના રહ્યુ. કુલ 20 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો, આરોપ લગાવ્યો કે વડા પ્રધાન મોદીએ આ કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સાઈડલાઈન કરવાનો નિર્ણય કર્યો.
મણિપુરમાં હિંસા ફાટી નીક્ળી
મે મહિનો દેશ માટે ખૂબ જ પડકારજનક રહ્યો. કારણકે મણિપુરમાં મેતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આખું મણિપુર આગચંપી, અપહરણ અને હત્યાઓથી ખદબદતુ હતુ.અને રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો હતો. મે મહિનાની શરૂઆત સંઘર્ષથી જ શરૂ થયો. તેને ઉકેલવા માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા હતા.
જુનની શરૂઆતમાં ઓડિશામાં ટ્રેનનો ગમખ્વાર અકસ્માત
જૂનની શરૂઆત દેશ માટે ખૂબ જ પીડાદાયક રહી.. 2 જૂને ઓડિશામાં ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ અને SMVT બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા.મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લગભગ 300 લોકોના મોત થયા હતા. અને લગભગ 850 લોકો ઘાયલ થયા હતા.
જુલાઇમાં હિમાચલમાં કુદરતી આફતનો માર
જુલાઈમાં ભારતે કુદરતનો માર સહન કરવો પડ્યો હતો. હકીકતમાં, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે, સમગ્ર રાજ્યને વિનાશક ભૂસ્ખલન અને પૂરનો સામનો કરવો પડ્યો હતો. આ દુર્ઘટનાએ હિમાચલના સુંદર પર્યટન સ્થળની સુંદરતાનો નાશ કર્યો હતો. અને કરોડોની સંપત્તિનો નાશ થયો હતો. સરકારી અંદાજ મુજબ, રાજ્યને અંદાજે 12,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
ભારતે લોન્ચ કરેલા ચંદ્રયાનનું સફળ લોન્ચિંગ
ભારતે 14 જુલાઈએ એક ઐતિહાસિક પગલું ભર્યું. ભારતે ચંદ્રયાન મિશન-3 લોન્ચ કર્યું હતું. ઓગસ્ટ મહિનો ભારત માટે ઐતિહાસિક મહિનો સાબિત થયો છે. કારણકે ભારતે 23 ઓગસ્ટે ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત એકમાત્ર દેશ બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થવા લાગી. દરેકે ભારતને તેની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
સપટેમ્બર મહિનો ભારત માટે ઐતિહાસિક રહ્યો
સપ્ટેમ્બર મહિનામાં પણ ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. આ મહિને નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજધાનીમાં આયોજિત આ સમિટમાં ઘણા શક્તિશાળી વૈશ્વિક નેતાઓએ ભાગ લીધો હતો. ભારતમાં આયોજિત સમિટ બાદ સમગ્ર વિશ્વએ દેશની લોખંડી શક્તિને ઓળખી હતી.
ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 મજુરોનાં સફળ રેસ્ક્યુ
નવેમ્બર મહિનો પણ 2023માં પણ મોટી ઘટનાઓ ઘટી… જ્યારે આખો દેશ દિવાળીનો તહેવાર ઉજવી રહ્યો હતો. ત્યારે ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલ તૂટી પડતાં 41 મજૂરો ફસાઈ ગયા અને દરેક શ્વાસ માટે લડવા લાગ્યા.ઉલ્લેખનીય છે કે એક પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 41 મજૂરો રાબેતા મુજબ તેમના કામ પર ગયા હતા. પરંતુ કમનસીબે ટનલના માર્ગ પર ભૂસ્ખલન થતાં તમામ 41 મજૂરો તેમાં ફસાઈ ગયા હતા. અને દેશે તેની તાકત દેખાડી આ તમામને મહા મહનતે રેસ્ક્યુ કરી નવજીવન આપ્યુ.
નવેમ્બર મહિનો ક્રિકેટ પ્રેમીઓ માટે નીરાશજનક
ભારતે વર્લ્ડ કપ સિરીઝમાં ઘણી સફળતા હાંસલ કરી હતી. અને 19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમી હતી. જો કે, તે સાંજે દેશના લગભગ 1.4 અબજ લોકોના દિલ તૂટી ગયા હતા. 40 રાત સુધી અજેય રીતે આગળ વધ્યા બાદ ભારતને 41મી રાત્રે ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે ક્રિકેટ પ્રેમીઓ માટે ખૂબ જ દુખદ હતું.
ડિસેમ્બર મહિનો ભાજપને ફળ્યો
ડિસેમ્બરની શરૂઆત રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. મહત્વનું છે કે 3 ડિસેમ્બરે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમના ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી. તે જ સમયે, તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમની પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી હતી.
સંસદ પર હુમલો, સાંસદોની સુરક્ષામાં ચૂક
બીજી મોટી ઘટના ડિસેમ્બરના મધ્યમાં બની. લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન કેટલાક લોકો સાસંદો બેઠા હતા ત્યાં અંદર કૂદી પડ્યા અને કેનમાંથી પીળો ધુમાડો છોડ્યો. જો કે, થોડી જ વારમાં સાંસદોએ તેમને પકડી લીધા હતા. ત્યારબાદ આરોપીઓએ સરકાર વિરોધી નારા લગાવવાનું શરૂ કરી દીધું. હાલમાં દિલ્હી પોલીસ અને સ્પેશિયલ સેલ આ મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે.