મધ્ય પ્રદેશના વિદિશામાં મિશનરી કોન્વેન્ટ સ્કૂલમાં જય શ્રી રામના નારા લગાવવા બદલ બાળકોને માર મારવાના મામલામાં મોટી કાર્યવાહી થવા જઇ રહી છે. ચાઈલ્ડ પ્રોટેક્શન કમિશન દ્વારા તપાસ બાદ ભારત માતા કોન્વેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે.લગભગ ત્રણ કલાકની તપાસ બાદ બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ પ્રેમ સિંહ ધાકડે કહ્યું કે, બાળકો પર ત્રાસ અને માર મારવાના આરોપો સાબિત થયા છે, તેથી કોન્વેન્ટ સ્કૂલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે.
9 નવેમ્બર, 2023 ના રોજ, કોન્વેન્ટ સ્કૂલમાં બાળ દિવસના કાર્યક્રમ દરમિયાન, કેટલાક વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જેના પર શાળાના પ્રિન્સિપાલ સિસ્ટર રીનાએ બાળકોને માર માર્યો હતો. વિદ્યાર્થી નેતા વિદ્યાર્થી પરિષદના વિભાગ સંયોજક વિવેક વિશ્વકર્માએ આ અંગે ચિલ્ડ્રન કમિશનને ફરિયાદ કરી હતી. જેના પર રાષ્ટ્રીય બાળ આયોગે રાજ્ય સરકારને પત્ર લખીને તપાસ બાદ જવાબ માંગ્યો હતો.
તો આ તરફ ચિલ્ડ્રન કમિશનના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે વિદ્યાર્થી પરિષદની ફરિયાદ બાદ અમે તપાસ માટે લખ્યું હતું. પરંતુ જ્યારે અમને ખબર પડી કે તપાસ ટીમ તપાસ કર્યા વિના જ પરત ફરી ગઈ છે. ત્યારપછી હું પોતે તપાસ કરવા આવ્યો હતો.બે બાળકોએ ઘટનાની પુષ્ટિ કરતા લેખિત નિવેદનો નોંધ્યા હતા. ત્યારબાદ અમે સ્થાનિક પોલીસને કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.