ઈન્ડોનેશિયામાં મ્યાનમારથી આવેલા રોહિંગ્યા શરણાર્થીઓનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ઇન્ડોનેશિયન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ટોળાએ પશ્ચિમી શહેર બાંદા આચેમાં રોહિંગ્યાઓના કામચલાઉ આશ્રયસ્થાન પર હુમલો કર્યો હતો. તેઓ આ શરણાર્થીઓને દેશનિકાલ કરવાની માંગ કરી હતી. જો કે બાંદા આચે શહેરમાં એક કોન્ફરન્સ સેન્ટરમાંથી દેખાવકારોએ 100થી વધુ રોહિંગ્યાઓને બહાર કાઢ્યા હતા.
નવેમ્બરથી હમણાં સુધી 1,500 થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ આચેના દરિયાકાંઠે એકઠા થયા છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે આઠ વર્ષમાં આ તેમનો સૌથી મોટી સંખ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સ્થાનિક લોકોએ રોહિંગ્યા મુસ્લિમોની ઘણી બોટને દરિયાકાંઠા સુધી પહોંચવા દિધી ન હતી. જો કે કેટલીક બોટને માત્ર ખોરાકની ચીજ વસ્તુ લેવા માટે જ રોકવાની પરવાનગી મળી હતી. અને પછી તેમને સમુદ્રમાં પાછા મોકલવામાં આવ્યા હતા.
ઈન્ડોનેશિયાની તાજેતરની ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ “તેમને બહાર કાઢો” અને “રોહિંગ્યાઓનો પ્રવેશ બંધ કરો” જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. તો આ તરફ યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સી (UNHRC) એ એક નિવેદનમાં કહ્યું કે ઇન્ડોનેશિયામાં જે રીતે આશ્રય સ્થાનો પર ટોળાએ હુમલા કર્યો છે તે ચિંતાજનક છે. એજન્સીએ વધુ સારી સુરક્ષા માટે હાકલ કરી હતી. એજન્સીએ જણાવ્યું કે ટોળાએ પોલીસ કોર્ડન તોડી નાખ્યું અને બળજબરીથી 137 શરણાર્થીઓને બે ટ્રકમાં ભરીને અન્ય સ્થળે લઈ ગયા. આ ઘટનાએ શરણાર્થીઓમાં ભયનો માહોલ છવાયો છે.
ઉલ્લેખનીય છે કે મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા ઈન્ડોનેશિયા અને મલેશિયા ઉપરાંત, રોહિંગ્યા મુસ્લિમો ફિલિપાઈન્સ, બાંગ્લાદેશ અને ભારતમાં પણ રહે છે. તેઓ દરિયાઈ માર્ગે અન્ય દેશોમાં પણ પહોંચે છે. જ્યારે દરિયો શાંત હોય ત્યારે તેઓ એપ્રિલથી નવેમ્બર સુધી બોટ દ્વારા મુસાફરી કરે છે. યુએનએચઆરસીના ડેટા અનુસાર, નવેમ્બરથી અત્યાર સુધીમાં 1,500 થી વધુ રોહિંગ્યા ઇન્ડોનેશિયા પહોંચ્યા છે, જે વર્ષોની સૌથી મોટી સંખ્યા માનવામાં આવે છે. તેમની વધતી સંખ્યાથી સ્થાનિક લોકો નિરાશ છે.