રામનગરી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે બની રહેલા ભવ્ય મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. હવે રામ મંદિરમાં પહેલા માળે ત્રણ મંડપની ઉપરના અમલક પર કારીગરીનું કામ શરૂ થઇ ચુક્યુ છે. રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહેલા માળે ખાંચામાં 20-20 ફૂટ ઊંચા થાંભલા લગાવ્યા બાદ છત નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે ક્રેન દ્વારા મંડપની ઉપર તૈયાર અમલકા મુકવામાં આવ્યા બાદ ઓરિસ્સાના કારીગરોએ પોતાના હાથે કામ શરૂ કર્યું છે.
મંદિરના અભિષેક પહેલા નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિવિધ પરિયોજનાની ભેટ આપવા જઇ રહ્યા છે. નવા વર્ષ પહેલા પીએમ મોદી અયોધ્યા ધામને 15 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ ભેટ આપશે. અયોધ્યા વિસ્તાર માટે લગભગ 11000 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આ સાથે પીએમ મોદી રેલવે સ્ટેશન અને એરપોર્ટ સહિત અનેક યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બર, 2023ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. અને જાહેર સભા કરશે. આ પછી તેઓ રામધામના ધર્મપથ અને રામપથ ખાતે રોડ-શો કરશે. આ પછી, એવું માનવામાં આવે છે કે તેઓ રામ મંદિરના નિર્માણની સમીક્ષા કરશે.સાથો સાથ વડાપ્રધાન મોદી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને ભવ્યથી ભવ્ય બનાવવા માટે એક બેઠક પણ કરી શકે છે.