પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય પર અત્યાચાર અને મંદિરો તોડવાના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના શારદા મંદિર પરિસર પર પાકિસ્તાની સેનાએ કબ્જો કરી લીધો છે. ત્યારે શારદા બચાવો સમિતિએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત શારદા મંદિર પરિસર પર પાકિસ્તાની સેના દ્વારા કબ્જો કર્યો છે તે દુર કરવા માટે ભારત સરકાર પાસે મદદ માંગી છે. સમિતિએ કહ્યું છે કે સરકારે મદદ કરવી જોઈએ. જેથી કરીને તેના જિણોદ્ઘારનો માર્ગ મોકળો થઈ શકે.
એસએસસીના સ્થાપક રવિન્દ્ર પંડિતાએ બેંગલુરુ પ્રેસ ક્લબ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ જર્જરિત પ્રાચીન શારદા મંદિર પરિસરમાં કબ્જો કર્યો છે. અને સમિતિની તરફેણમાં કોર્ટએ આદેશ આપ્યો છે છતાં પણ ત્યાં કોફી હાઉસ ખોલી દેવાયુ છે.
વધુમાં રવિન્દ્ર પંડિતાએ કહ્યુ કે સુરક્ષા દિવાલ અને અતિક્રમણને થયેલા નુકસાન અંગે પીઓકેના નાગરિક સમાજે પણ એસએસસી સાથે અવાજ ઉઠાવ્યો છે. તેમણે માંગ કરી હતી કે શારદા પીઠને શ્રદ્ધાળુઓ માટે તીર્થયાત્રા માટે ફરી ખોલવામાં આવે. જો પાકિસ્તાની સત્તાવાળાઓ અને તેની સેના કોફી હોમને હટાવે નહીં, તો અમે નિયંત્રણ રેખા (LOC) તરફ કૂચ કરવા અને તેને પાર કરવાની હાકલ કરીશું. તમામ શારદા સમર્થકો નજીકના ભવિષ્યમાં આ કૂચ માટે તૈયાર રહે. તેમણે શારદા પીઠને યુનેસ્કો હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવાની પણ હાકલ કરી હતી.