રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલાની મૂર્તિનું સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની 29 ડિસેમ્બરે યોજાયેલી બેઠક બાદ રવિવારે પસંદગી કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું કે ગર્ભગૃહમાં સ્થાપિત થનારી રામલલાની પ્રતિમા 51 ઇંચ ઉંચી હશે, જેમાં રામલલા 5 વર્ષના બાળકના રૂપમાં હશે. 31 વર્ષ બાદ ભક્તો ખુલ્લા પગે રામલલાના દર્શન કરી શકશે. કારણકે 6 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે રામ લલ્લા તંબુમાં બેઠા હતા. ત્યારે સુરક્ષાના કારણોસર ભક્તો જૂતા અને ચપ્પલ પહેરીને દૂરથી રામ લલ્લાના દર્શન કરતા હતા.
ભક્તોના મનનો સવાલ રામ લલ્લા કેવા હશે ? જાણો
રામચરિત માનસ અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવ્યા મુજબ રામલલાનું સ્વરૂપ હશે
રામલલાની મૂર્તિમાં ધનુષ અને બાણ નહીં હોય, તે શણગારનો એક ભાગ હશે
રામલલાની આંખો નીલકમલ જેવી હશે અને તેમનો ચહેરો ચંદ્રની જેમ ચમકશે
રામલલાના હાથ ઘૂંટણ જેટલા લાંબા હશે અને તેમના હોઠ પર સતત સ્મિત રહેશે
રામલલાની મૂર્તિ એટલી જીવંત હશે કે તેને જોવાનું મન થશે
રામલલાની મૂર્તિ જોયા પછી પણ લોકો ચોક્કસપણે ભાવ વિભોર થઇ જશે
રામ લલ્લાના ચહેરા પર દૈવીય સહજતાની સાથે ગંભીરતા એવી હશે કે ભક્તો તેમને જોતા જ રહેશે
રામલલાની મૂર્તિની ઊંચાઈ કમળના ફૂલ સહિત આઠ ફૂટ જેટલી હશે
ટ્રસ્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કર્ણાટકના યોગીરાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે. આ મૂર્તિ શ્યામ શિલામાંથી બનાવવામાં આવી છે. સફેદ રંગમાં તૈયાર કરેલી પ્રતિમાને પસંદ ન કરવા પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે રામનો રંગ સફેદ ન હતો. હાલમાં કઈ મૂર્તિ પસંદ કરવામાં આવી છે? તેની તસવીર જાહેર કરવામાં આવી નથી.
રામલલાની ત્રણ મૂર્તિઓ ત્રણ શિલ્પકાર ગણેશ ભટ્ટ, યોગીરાજ અને સત્યનારાયણ પાંડેએ ત્રણ પથ્થરોમાંથી બનાવી છે. સત્યનારાયણ પાંડેની પ્રતિમા સફેદ આરસની છે. તો આ તરફ ગણેશ ભટ્ટની પ્રતિમા દક્ષિણ ભારતની શૈલીમાં વાદળી રંગના પથ્થરમાંથી નિર્માણ કરાઇ છે. આ કારણથી અરુણ યોગીરાજની પ્રતિમા પણ વાદળી પથ્થર પર બનેલી છે.
કોણ છે યોગી રાજ?
રામ મંદિર માટે રામલલાની મૂર્તિ તૈયાર કરનાર અરુણ યોગીરાજ 37 વર્ષના છે. તે મૈસુર મહેલના કલાકાર પરિવારમાંથી આવે છે. 2008માં મૈસુર યુનિવર્સિટીમાંથી MBA કર્યા બાદ નોકરી મળી. આ પછી તેણે નોકરી છોડી દીધી અને મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું. કેદારનાથમાં સ્થાપિત જગદગુરુ શંકરાચાર્યની પ્રતિમા યોગીરાજે જ બનાવી હતી. પીએમ મોદીએ પણ તેમના કામના વખાણ કર્યા છે.