દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા સંચાલિત મોહલ્લા ક્લિનિક્સ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહી છે. આરોપ છે કે આ મોહલ્લા ક્લિનિક્સમાં નકલી ટેસ્ટ કરાવીને ખાનગી લેબને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે.હવે આ મામલે દિલ્હી સરકારનો ખુલાસો પણ સામે આવ્યો છે. અરવિંદ કેજરીવાલ સરકારે હવે અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે કહ્યું કે આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ડાયગ્નોસ્ટિક લેબ પર દેખરેખ રાખવા માટે જવાબદાર છે અને તેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. મોહલ્લા ક્લિનિક્સમાં પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટમાં કૌભાંડ થયાના આક્ષેપો છે.
દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, ‘કેટલાક ડોકટરોએ તેમના વીડિયો રેકોર્ડ કર્યા હતા. અને તેને કર્મચારીઓને મોકલતા હતા. જેના દ્વારા તેઓ દરરોજ એપ્લિકેશનમાં તેમની હાજરીને માર્ક કરતા હતા. આ મામલામાં કાર્યવાહી કરીને 7 ડોક્ટર સહિત 26 લોકોને હટાવવામાં આવ્યા છે.
સૌરભ ભારદ્વાજે વધુમાં કહ્યું કે, મોહલ્લા ક્લિનિક હોય કે દવાની દુકાન, જો કોઈ ખોટો ફોન નંબર આપી રહ્યું છે તો તપાસ કરવાનું કામ અધિકારીઓનું છે. સૌરભ ભારદ્વાજે કહ્યું, ‘અહીં આરોગ્ય સચિવ અને આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલય (DGHS) છે. અમે DGHS અને આરોગ્ય સચિવની નિમણૂક કરતા નથી. ઉપ રાજ્યપાલ તપાસ કરી રહ્યા છે. અમે તેમને લેખિત સૂચના આપી હતી કે આને દૂર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે નાના મામલામાં પણ અધિકારીઓ તરત જ નોકરી ગુમાવે છે. પરંતુ આ અધિકારીઓને હટાવવામાં નથી આવતા.
મહોલ્લા ક્લિનિકમાં ગેરરીતિઓના મુદ્દે ભાજપ આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, “આ કહેવાતા મોહલ્લા ક્લિનિકમાં ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. એવા તથ્યો સામે આવ્યા છે કે એક દિવસમાં 500 દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જ્યારે મોહલ્લા ક્લિનિકનો ઔપચારિક સમય સવારે 9 વાગ્યાથી લઇ બપોરે 1 વાગ્યા સુધીનો છે. જો કોઈએ 240 મિનિટમાં 533 દર્દીઓ જોયા હોય, તો તેનો અર્થ એ છે કે અડધી મિનિટમાં એક દર્દીને જોવામાં આવ્યો છે. આટલીવારમાં વ્યક્તિ મંદિરમાં દર્શન પણ નથી કરી શકતો. જેટલી વારમાં ડોક્ટરે રોગનું નિદાન કરીને સારવાર આપી છે.
તો આ તરફ ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાએ મોહલ્લા ક્લિનિક્સ દ્વારા બનાવટી તપાસ કરી ખાનગી લેબને ફાયદો પહોંચાડવા માટેના આરોપને લઇને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને તપાસના આદેશ આપ્યા છે.