બંગાળના ઉત્તર 24 પરગણામાં TMC નેતાના ઘરે પહોંચેલી ED ટીમ પર હુમલામાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા છે. તપાસ એજન્સીના આ અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સેન્ટ્રલ સિક્યોરિટી ફોર્સના જવાનો સાથે પહોંચેલી ટીમ ટીએમસીના નેતાઓ શાહજહાં શેખ અને શંકર આધ્યાના ઘરની તપાસ કરી રહી હતી. ત્યારે બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી.
જ્યારે અધિકારીઓ ગયા ત્યારે ટોળાએ તેમના વાહનો પર હુમલો કર્યો અને તેમના પર પણ પથ્થરમારો કર્યો. EDની ટીમો સવારે 7.10 વાગ્યે પહોંચી હતી. શેખનું ઘર અંદરથી બંધ હતું.જેથી EDના અધિકારીઓએ ઘણી વખત અવાજ લગાવી દરવાજો ખટખટાવ્યો હતો.
આ પછી પણ જ્યારે અંદરથી કોઈ અવાજ ન આવતા સુરક્ષાદળોએ તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે શાહજહાં શેખ અને તેનો પરિવાર ઘરમાં હાજર હતો કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી. આ દરમિયાન સેંકડો ગ્રામવાસીઓ સૂત્રોચ્ચાર કરતા સ્થળ પર પહોંચી ગયા હતા. અને ED અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા. એક ગ્રામીણે મીડિયાને જણાવ્યું કે ટોળું પાછળથી ગુસ્સે થઈ ગયું અને અધિકારીઓ પર હુમલો કર્યો. એટલું જ નહીં તેની એક કારને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું. ગ્રામીણે કહ્યું, ‘અધિકારીઓને ખેંચવામાં આવ્યા અને ખરાબ રીતે મારવામાં આવ્યા. જેમાંથી એકને માથામાં ઈજા થઈ છે. તેમના વાહનોના કાચ તોડી નાખ્યા હતા. કોઈક રીતે ઈડીના અધિકારીઓ પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા.
ટીમમાં સામેલ એક અધિકારીએ કહ્યું કે અમારામાંથી 8 લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા. દરમિયાન અમારા પર હુમલો થયો હતો. અમે ત્રણ જણ સ્થળ પરથી પીછેહઠ કરી ગયા હતા. ED ટીમ પરના આ હુમલાને લઈને રાજ્યપાલ આનંદ બોઝ પણ નારાજ થઈ ગયા છે. તેમણે મમતા બેનર્જી સરકારને કહ્યું કે આ હુમલાના આરોપીઓ સામે કાર્યવાહી કરવી પડશે.