આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડ માં મહિલા અગ્નવીર વાયુ સૈનિક ભારતીય વાયુસેના દળમાં સામેલ હશે.તેવી માહિતી ભારતીય વાયુસેનાએ આપી હતી. તમને જણાવી દઈએ કે આ વર્ષની ગણતંત્ર દિવસ પરેડમાં દિલ્હીમાં NCC ગણતંત્ર દિવસ શિબિરમાં કુલ 2,274 કેડેટ્સ ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં મહિલા કેડેટ્સની ભાગીદારી વધશે.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ઉત્તર-પૂર્વની 45 છોકરીઓનું બેન્ડ પ્રથમ વખત આ શિબિરમાં ભાગ લઈ રહ્યું છે. બેન્ડના સભ્યો 13 થી 15 વર્ષની વયના છે, જે ઉત્તર પૂર્વના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. દેશના ખૂણે ખૂણે NCCની પહોંચનું પ્રદર્શન કરે છે. ગયા વર્ષે 2023માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 710 છોકરીઓ સહિત કુલ 2,155 કેડેટ્સે ભાગ લીધો હતો.
આ ઉપરાંત આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સંરક્ષણ દળોની બે મહિલા ટુકડીઓ કૂચ કરવાની છે. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 144 કર્મચારીઓની ટુકડીમાં તમામ મહિલા સૈનિકો હશે. જેમાંથી 60 આર્મી અને બાકીના ભારતીય વાયુસેના અને નૌકાદળના હશે.તો આ તરફ અન્ય મહિલા ટુકડી સશસ્ત્ર દળો તબીબી સેવાઓના મહાનિર્દેશાલયની હશે. જેમાં લશ્કરી નર્સિંગ સેવાઓની નર્સો શામેલ હશે. જેનું નેતૃત્વ મહિલા ડોકટરો દ્વારા કરવામાં આવશે.