પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 જાન્યુઆરીને બુધવારે તેનું ઉદ્ઘાટન કર્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે આ સમિટ યોજાઈ રહી છે. 10 થી 12 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ સમિત ચાલશે. મહત્વનું છે કે આ વર્ષની કોન્ફરન્સની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર પર રાખવામાં આવી છે.
આ કોન્ફરન્સમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન 9 જાન્યુઆરીએ ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’માં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવા ભારત આવ્યા છે. આ ઉપરાંત, PM મોદીની દુબઈમાં COP28 સમિટની મુલાકાત બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભારત અને યુનાઈટેડ આરબ અમીરાત (UAE) વચ્ચેના સંબંધો પણ મજબૂત થવાની અપેક્ષા છે.સમિટના પ્રારંભમાં ચાર રાજ્યોના વડા પીએમ મોદી અને ગુજરાતના નીતિ ઘડવૈયાઓ સાથે મંથન કરી રહ્યા છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હું વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો અને 130થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ‘એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય’નો વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.
આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની સાથોસાથ ચેક રિપબ્લિકના વડા પ્રધાન પેટ્ર ફિઆલા, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ જેસિન્ટો ન્યુસી, તિમોર-લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા ખાસ ઉપસ્થિત રહ્યા છે.