ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમે 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. જે વિકસિત ગુજરાત બનાવવામાં મદદરૂપ થશે.વધુમાં અડાણીએ કહ્યુ કે અમે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન પાર્ક બનાવીશું. અને ગુજરાતમાં 1 લાખથી વધુ નોકરીઓ પણ પ્રદાન કરીશું.
ગૌતમ અદાણીએ સમિટમાં સંબોધન કરતા કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ભવિષ્ય વિશે માત્ર વિચારતા નથી, પરંતુ તેને આકાર પણ આપી રહ્યા છે.વધુમાં તેમણે કહ્યું તમારા નેતૃત્વ હેઠળ ભારત 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર છે. તમે ભારતને વૈશ્વિક નકશા પર એક મોટી શક્તિ તરીકે સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે. અને તેને આત્મનિર્ભર બનાવી રહ્યા છો.
ગૌતમ અદાણીએ કહ્યું કે અદાણી ગ્રુપ આત્મનિર્ભર ભારતને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. ગ્રીન સપ્લાય ચેઈન અંગે તેમણે કહ્યું કે અમે આત્મનિર્ભર ભારત માટે ગ્રીન સપ્લાય ચેઈનનો વિસ્તાર કરી રહ્યા છીએ. આ સિવાય સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી ઈકો-સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. “આ હેઠળ, સોલાર પેનલ્સ સિવાય વિન્ડ ટર્બાઇન, હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર, ગ્રીન એમોનિયા, પીવીસી, કોપર અને સિમેન્ટના ઉત્પાદનમાં વધારો પણ સામેલ છે.
વધુમાં તેમણે કહ્યું કે અમે છેલ્લી સમિટમાં રૂ. 55,000 કરોડના રોકાણ માટે પ્રતિબદ્ધ હતા. અને અત્યાર સુધીમાં અમે રૂ. 50,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.તેમણે કહ્યું કે અમે કચ્છમાં 25 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો 30 GW ક્ષમતાનો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે.
ગૌતમ અદાણીએ કહ્યું કે છેલ્લા દાયકાના આંકડા આશ્ચર્યજનક છે.2014થી ભારતની જીડીપી 185% વધી છે. અને માથાદીઠ આવકમાં અસાધારણ 165%નો વધારો થયો છે. ખાસ કરીને આ દાયકાના ભૌગોલિક રાજકીય સંઘર્ષો અને મહામારીના પડકારોને ધ્યાનમાં રાખીએ તો આ એક અનન્ય સિદ્ધિ છે.