સમગ્ર વિશ્વમાંથી રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કરવા ગુજરાતમાં ફરી એકવાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય ઉદ્યોગપતિઓ સાથે વિશ્વભરના બિઝનેસ લીડર્સ ભાગ લઈ રહ્યા છે. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ પણ કાર્યક્રમમાં પોતાના વિચારો રાખ્યા હતા.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમે ભારતમાં વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરવા માટે સતત રોકાણ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે મને ગુજરાતી હોવાનો ગર્વ છે. દુનિયામાં કોઇપણ એવુ સંમેલન નથી જે વાઈબ્રન્ટ ગુજરાતને ટક્કર આપી શકે. છેલ્લા 20 વર્ષથી આ કોન્ફરન્સ સફળતાપૂર્વક ચાલી રહી છે.
મુકેશ અંબાણીએ કહ્યું, ‘હું ગેટવે ઓફ ઈન્ડિયાના શહેરમાંથી આવું છું. અને હવે તે ગેટવે ઓફ મોર્ડન ઈન્ડિયા બની ગયું છે. મને ગુજરાતી હોવાનો ગર્વ છે. જ્યારે પણ વિદેશીઓ ન્યૂ ઈન્ડિયા વિશે વિચારે છે. ત્યારે તેમના મગજમાં સૌથી પહેલું નવું ગુજરાત આવે છે. આ પરિવર્તન આખરે કેવી રીતે થયું? આપણા નેતાઓને કારણે, જે આપણા સમયના વિશ્વના મહાન નેતાઓમાં સામેલ છે. પીએમ મોદી ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે.
મુકેશ અંબાણીએ કહ્યું, ‘અમારા દરેક વ્યવસાયે 7 કરોડ ગુજરાતીઓના સપના પૂરા કર્યા છે. રિલાયન્સે દેશમાં રૂ. 12 લાખ કરોડનું રોકાણ કર્યું છે. અને તેમાંથી ત્રીજા ભાગનું એટલે કે રૂ. 4 લાખ કરોડનું રોકાણ એકલા ગુજરાતમાં થયું છે. રિલાયન્સ ભવિષ્યમાં પણ ગુજરાતની વિકાસગાથામાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. અમારો પ્રયાસ ગુજરાતને ગ્રીન ડેવલપમેન્ટ ક્ષેત્રે વૈશ્વિક લીડર બનાવવાનો છે.
વધુમાં મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું, આપણા વડાપ્રધાન આજે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સામેલ છે. જ્યારે તેઓ બોલો છે, ત્યારે લોકો તમને સાંભળે છે એટલું જ નહીં પણ દુનિયા તેમને અનુસરે પણ છે. વઘુમાં અંબાણીએ કહ્યુ કે મારા એક મિત્રે પૂછ્યું કે મોદી હૈ તો મુમકીન હૈ ના નારાનો અર્થ શું છે? તો મેં કહ્યું કે તેનો અર્થ એ છે કે આપણા વડાપ્રધાન પાસે અશક્યને પણ શક્ય બનાવવાનું વિઝન છે. મારો મિત્ર પણ મારી સાથે સહમત થયો અને કહ્યું જો મોદી હોય તો શક્ય છે.