વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગુજરાતના ગાંધીનગરમાં ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’નું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, ‘ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે અને હવે ભારત આગામી 25 વર્ષના લક્ષ્યો પર કામ કરી રહ્યું છે. ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે. ત્યાં સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય અમે નક્કી કર્યું છે. આ 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. આ અમૃતકાળમાં આ પ્રથમ ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’ યોજાઈ રહી છે, તેથી તેનું મહત્વ વધુ વધી ગયું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘આ ઈવેન્ટમાં UAEના રાષ્ટ્રપતિ હાજર રહ્યા એ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અહીં મુખ્ય અતિથિ તરીકે તેમની હાજરી એ ભારત અને UAE વચ્ચેના દિન-પ્રતિદિન મજબુત બનેલા સૌહાર્દપૂર્ણ સંબંધોનું પ્રતીક છે. તેમણે કહ્યું કે, ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ને તાજેતરમાં 20 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 20 વર્ષમાં આ વાઇબ્રન્ટ સમિટે નવા વિચારોને એક પ્લેટફોર્મ પૂરૂ પાડ્યુ છે. તેણે રોકાણ અને વળતર માટે નવા ગેટવે બનાવ્યા છે. આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ છે – “ભવિષ્યનો પ્રવેશદ્વાર”, આપણા સંયુક્ત પ્રયાસોથી જ 21મી સદીના વિશ્વનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
વધુમાં પીએમએ કહ્યુ કે ભારતે તેના G20 પ્રમુખપદ દરમિયાન વૈશ્વિક ભવિષ્ય માટે રોડમેપ પણ આપ્યો છે. અમે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ આ વિઝનને આગળ લઈ જઈ રહ્યા છીએ.પીએમએ વધુમાં કહ્યું કે ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. આજે ભારતે દુનિયાને વિશ્વાસ અપાવ્યો છે કે ભારત પણ લક્ષ્યો નક્કી કરી શકે છે અને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. વિશ્વ કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, ભારતની વફાદારી, ભારતના પ્રયાસો અને ભારતની મહેનત આજના વિશ્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહી છે.
તેમણે કહ્યુ કે આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 10 વર્ષ પહેલા ભારત 11મા ક્રમે હતું. આજે તમામ મોટી એજન્સીઓનો અંદાજ છે કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. વિશ્વભરના લોકોને પોતપોતાનું વિશ્લેષણ કરવા દો, પરંતુ આ મારી ગેરંટી છે કે તે થશે.