ભારતમાં સ્વચછતા મિશનની ઝુંબેશ ભારતવાસીઓએ ઉપાડી લીધી છે. જેની અસર રસ્તાઓ, શેરીઓ અને ઉદ્યાનોમાં દેખાઈ રહી છે. આ ક્રમમાં સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં ઈન્દોર અને સુરતને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા છે. ઈન્દોરે સતત સાતમી વખત આ ખિતાબ જીત્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગુરુવારે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી એવોર્ડ મેળવ્યો હતો. આ દરમિયાન શહેરી પ્રશાસન મંત્રી કૈલાશ વિજયવર્ગીય, ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર હર્ષિકા સિંહ પણ હાજર હતા. નવી મુંબઈને ત્રીજું સ્થાન મળ્યું છે.
તમને જણાવી દઈએ કે એક તરફ ઈન્દોરને સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. બીજી તરફ, મધ્યપ્રદેશ બીજા સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે બે શહેરોને સ્વચ્છ ભારત સર્વેમાં પ્રથમ સ્થાન મળ્યું છે. ઈન્દોરની સાથે ગુજરાતનું સુરત પણ સંયુક્ત રીતે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવ્યા બાદ કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી અને કહ્યું કે ઈન્દોરને સતત સાતમી વખત આ સન્માન મળ્યું છે. મહારાષ્ટ્ર દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બન્યું છે. છત્તીસગઢ દેશનું ત્રીજું સ્વચ્છ રાજ્ય બન્યું છે.
હવાની ગુણવત્તા સુધારવા માટે 2019 માં શરૂ કરાયેલ ભારતના રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) એ 49 શહેરોની યાદી બહાર પાડી છે. જ્યાં PM 2.5નું પ્રમાણ સૌથી વધુ હતું.જાહેર કરાયેલી યાદી અનુસાર, PM2.5 અને PM10ના સ્તરમાં સૌથી વધુ નોંધપાત્ર ઘટાડો ઉત્તર ભારતના ગંગાના મેદાનોમાં સ્થિત ભારતના આધ્યાત્મિક શહેર વારાણસીમાં જોવા મળ્યો છે.
બુધવારે ક્લાઈમેટ ટ્રેન્ડ્સ એન્ડ રેસ્પિર લિવિંગ સાયન્સના વિશ્લેષણમાં જણાવાયું છે કે વારાણસીમાં 72 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે 24 શહેરોમાં PM10ના સ્તરમાં સુધારો જોવા મળ્યો હતો. 9,631 કરોડ રૂપિયાના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP)નો ઘોષિત લક્ષ્યાંક 131 શહેરોમાં 2026 સુધીમાં (2017ની સરખામણીમાં) સરેરાશ પાર્ટિક્યુલેટ મટિરિયલમાં 40 ટકાનો ઘટાડો કરવાનો છે.