22 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર દેશ અને દુનિયાના પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ પાઠવાયુ છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને આમંત્રણ મોકલવામાં આવતા તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતને મળ્યા અને તેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ આપ્યું છે.
તો આ તરફ આમંત્રણ મળ્યા બાદ આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યુ હતુ કે રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તે ખૂબ જ સૌભાગ્યની વાત છે. હું કહીશ કે મેં કોઈ જન્મમાં પુણ્ય કર્મો કર્યા હશે. જેના કારણે મને આ શુભ અવસરનું ફળ મળ્યું છે. આ તો માંગ્યા પછી પણ ન મળવા જેવું છે અને તે પ્રસંગે ત્યાં હાજર રહેવાનો મને લ્હાવો મળશે. જે ખુબ જ મોટી વાત છે. આમંત્રણ પાઠવવા બદલ આરએસએસના વડાએ મંદિર નિર્માણ સમિતિના નૃપેન્દ્ર મિશ્રા અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વનું છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમનો સંપૂર્ણ કાર્યક્રમ આવી ગયો છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે જાહેર સભાને સંબોધશે. મંદિરની સામે ખુલ્લા સ્ટેજ પર લોકો માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવશે. એક કેન્દ્રિય શિખર બનાવવામાં આવશે જ્યારે બે બાજુ શિખરો હશે. કાર્યક્રમ દરમિયાન 6000 ખુરશીઓ મુકવામાં આવશે. અને દરેક વ્યક્તિ મંદિરના દર્શન કરી શકશે. તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત દેશભરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના જીવંત પ્રસારણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.