ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ‘રાષ્ટ્ર ધર્મ’ મેગેઝિનની આગામી વિશેષ આવૃત્તિમાં પ્રકાશિત થયેલા એક લેખમાં કહ્યું છે કે નિયતિએ નક્કી કર્યું છે કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કર્યા છે.
તેમના લેખ ‘રામ મંદિર નિર્માણ, એક દિવ્ય સ્વપ્નની પરિપૂર્ણતા’ માં અડવાણીએ રામ મંદિરના નિર્માણ માટે 33 વર્ષ પહેલાં કાઢવામાં આવેલી રથયાત્રાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ માને છે કે અયોધ્યા આંદોલન તેમની રાજકીય યાત્રામાં નિર્ણાયક અને પરિવર્તનકારી ઘટના હતી. જેણે તેમને ભારતને ફરીથી શોઘવા અને પોતાનો ફરીથી સમજવાની તક આપી છે.
વધુમાં તેમણે રામ મંદિર ચળવળમાં મોખરે રહેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા અને કહ્યું કે અયોધ્યામાં રામમંદિરના ભવ્ય અભિષેક કાર્યક્રમ પહેલા તેઓ તેમની ખોટ અનુભવી રહ્યા છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર અડવાણીએ તેમના લેખમાં કહ્યું છે કે – “આજે રથયાત્રાને 33 વર્ષ પૂરા થાય છે. જ્યારે અમે 25 સપ્ટેમ્બર 1990ની સવારે રથયાત્રાની શરૂઆત કરી ત્યારે અમને ખબર ન હતી કે ભગવાન રામ પ્રત્યેની આસ્થા અમે સાથે મળીને શરૂ કરી રહ્યા છીએ. આ યાત્રા દેશમાં એક આંદોલનનું સ્વરૂપ લેશે.”
અડવાણીએ કહ્યું, “જ્યારે વડા પ્રધાન મોદી રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. ત્યારે તેઓ ભારતના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે રામ મંદિર તમામ ભારતીયોને શ્રી રામના ગુણોને અપનાવવાની પ્રેરણા આપે. રથયાત્રા દરમિયાન એવા ઘણા અનુભવો થયા જેણે મારા જીવનને પ્રભાવિત કર્યું. જે તે વખતે દૂર-દૂરના ગામડાઓમાં અમે જતાં ત્યારે અજાણ્યા લોકો રથને જોઈને ભાવુક થઈને મારી પાસે આવતા. તેઓ પ્રણામ કરતા હતા. ભગવાન રામના નામનો જપ કરતા હતા. તે એક સંદેશ હતો કે એવા ઘણા લોકો હતા જેમણે રામ મંદિરનું સપનું જોયું હતું.