જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને આતંકવાદ પર કડક કાર્યવાહી બાદ પાકિસ્તાન હવે હડકાયુ થયુ છે. ત્યારે ફરીથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ગતિવિધિઓ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય સેના આતંકીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કરવા જઈ રહી છે. તેનું નામ ‘ઓપરેશન સર્વશક્તિ’ રાખવામાં આવ્યું છે. ખીણમાં છુપાઈ જવા માટે આતંકવાદીઓ જંગલો અને પહાડોનો લાભ લઈ પછી નાગરિકો અથવા સૈનિકો પર હુમલો કરે છે. જેને ઘ્યાનમાં રાખીને સેના પીર પંજાલ પહાડીની બંને બાજુએથી આ ઓપરેશન હાથ ધરશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ઓપરેશન પણ ઓપરેશન સર્પવિનાશની જેમ જ હાથ ધરવામાં આવશે. જે ઓપરેશન 2003માં આ જ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજીત ડોભાલ પણ હાજર હતા. તાજેતરના દિવસોમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો દક્ષિણ પીર પંજાલ પહાડીઓની આસપાસ રાજૌરી અને પૂંચમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ હુમલામાં સેનાના ઘણા જવાનો શહીદ થયા હતા.
ઓપરેશન સર્વશક્તિ શું છે?
આ ઓપરેશનની જવાબદારી નગરોટાની વ્હાઇટ નાઈટ કોર્પ્સની સાથે શ્રીનગરના ચિનાર કોર્પ્સને આપવામાં આવી છે. સેના પીર પંજાલ ટેકરીઓની બંને બાજુથી આતંકવાદીઓને ખતમ કરવાનું શરૂ કરશે. આ ઓપરેશન ખાસ કરીને રાજૌરી અને પૂંચમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે હાથ ધરવામાં આવી રહ્યો છે. કાશ્મીર પોલીસ, CRPF, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ગુપ્તચર એજન્સીઓ પણ આમાં સામેલ થશે.