રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા મકર સંક્રાંતિથી એક સપ્તાહના સ્વચ્છતા સફાઈ અભિયાનનો પ્રારંભ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરે સફાઇ કરી કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવના સંદર્ભમાં દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
મુખ્યમંત્રીએ મંદિર પરિસરની સફાઈ કરી હતી. અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીના દર્શન અર્ચન કર્યા હતા.આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ શહેર અને જિલ્લાના સંગઠનના અગ્રણીઓ આ અભિયાનમાં જોડાયા હતા.તો આ તરફ ગુજરાતના તમામ ધર્મસ્થાનો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સફાઈ અભિયાન આજથી 22 જાન્યુઆરી સુધી ચાલશે.
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસ હતા ત્યારે તેમણે નાસિકના કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરમાં સફાઈ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.ત્યારે પીએમએ સંબોધિત કરતા કહ્યું હતુ કે આપણે બધા આપણી આસપાસના મંદિરની સાફ સફાઈ કરીએ. વધુમાં તેમણે કહ્યું હતુ કે આપણે બધા સાથે મળીને સ્વચ્છતાનું અભિયાન ચલાવીશું.આ સાથે જ જણાવ્યુ હતુ કે મંદિર પરિસરને સાફ કરવામાં શ્રમદાન કરો.