ઉત્તરાયણ પર્વ અને તેમાં પણ અમદાવાદની ઉત્તરાયણનો દેશભરના લોકોમાં ખાસ ક્રેઝ હોય છે. ત્યારે ઉતરાણનો તહેવાર ઉજવવા દેશ અને દુનિયાથી અનેક લોકો અમદાવાદ આવે છે. ત્યારે આજે વહેલી સવારે દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ 5 કલાકથી વધુ સમય સુધી લેટ થતા દિલ્હી એરપોર્ટ પર લોકો અટવાયા હતા. ફ્લાઈટના મુસાફરો દિલ્હીના ખરાબ વાતાવરણને કારણે અટવાય ગયા હતા. દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વહેલી સવારે 5:50 કલાકે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E2001 દિલ્હીથી અમદાવાદ માટે રવાના થવાની હતી. અને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે 7:40 કલાકે લેન્ડ કરવાની હતી. પરંતુ તેના ટેક ઓફના કલાક બાદ પણ ફ્લાઈટ હજુ પણ દિલ્હી એરપોર્ટના રન-વે પર જ હતી. જેથી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારની સવાર ઠંડી અને ધુમ્મસભર્યું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 6.2 ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું. ધુમ્મસના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી. દેશના અન્ય ભાગોમાંથી દિલ્હી આવતી લગભગ 22 ટ્રેનો વિલંબિત થઈ હતી. અને ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય મીટર સુધી ઘટી જવાને કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ કામગીરીને પણ અસર થઈ હતી.
તો આ તરફ 14 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસના કારણે દેશના અન્ય ભાગોમાંથી દિલ્હી આવતી 22 ટ્રેનો મોડી ચાલી રહી હતી. આગાહી એ છે કે વિઝિબિલિટી હાલમાં ઓછી છે અને રાત્રિ અને સવાર દરમિયાન વધુ ખરાબ થવાની સંભાવના છે. IMD એ શનિવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે હાલમાં, IGI એરપોર્ટ પર વિઝિબિલિટી 350 મીટર નોંધવામાં આવી છે. અને હવેથી થોડા કલાકોમાં તે ઘટીને 200 મીટર થવાની સંભાવના છે.