દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. અમિત શાહે વેજલપુરમાં ધારારભ્યો અને નેતાઓ સાથે પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ ઉજવણીમાં ત્રણ અમિત એકસાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. અમિત શાહે ધાબા પર પહોંચે તે પહેલા બાળકોને પતંગ, ચીકી સહિતની સામગ્રીઓ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો. અમિત શાહને જોવા માટે વેજલપુરની આસપાસની અગાશીઓ પર લોકોના ટોળા જામ્યા હતા. પોતાના નેતાને લોકોની વચ્ચે પતંગ ચગાવતા જોઇ લોકોમાં આતુરતા સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
અમિત શાહ વેજલપુર આવવાના હોવાથી સુરક્ષા એજન્સીઓ પણ અગાઉથી વેજલપુર પહોંચ્યીને સુરક્ષા-વ્યવસ્થામાં જોતરાઈ હતી. જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ અલગ-અલગ ધાબા પર ગોઠવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અમિત શાહ આ પહેલા પણ ઘણી વખત અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવી ચૂક્યા છે. પાછલા વર્ષે પણ તેઓ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે વેલજલપુર પહોંચ્યા હતા.અમિત શાહ વેજલપુર પહોંચ્યા તે પહેલા તેમણે અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતા. મકરસંક્રાતિ નિમિત્તે તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કર્યા હતા.